પોલીસે જપ્ત કરેલા રેમડિસિવિર દર્દીઓને આપવા કોર્ટનો આદેશ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-04-2021

અમદાવાદમાં કાળા બજાર કરનારાઓ પાસેથી પોલીસે જપ્ત કરેલા ૩૫ રેમડિસિવર ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલને સોંપવા મેટ્રોપોલિટન કોર્ટના મેજિસ્ટ્રેટ એમ.જે. ખોજ્જાદાએ હુકમ કર્યો છે. ક્રાઇમ બ્રાંચે થોડાં દિવસો પહેલાં એસ.વી.પી. હોસ્પિટલના કર્મચારીઓ સહિતના કેટલાંક આરોપીઓને ઝડપી ૩૫ ઇન્જેક્શન સાથે ઝડપ્યા હતા. જો કે મુદ્દામાલ તરીકે પડી રહેલા ઇન્જેક્શન એક્સપાયર થઇ જાય તેમ હોવાથી તેને યોગ્ય વ્યક્તિને સોંપવા ક્રાઇમ બ્રાંચે કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી કોર્ટે માન્ય રાખી છે.

પોલીસ તરફથી કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે સમગ્ર રાજ્યને અત્યારે કોરોનાની મહામારીએ બાનમાં લીધું છે. આ સમયે રેમડિસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઇ છે અને ઘણાં લોકોને અત્યારે ઇન્જેક્શનની જરૃર છે. મુદ્દામાલમાં રહેલા આ ઇન્જેક્શન આમ જ પડયા રહે તો એક્સપાયર થઇ જાય તેમ હોવાથી તેને જરૃરિયામંદો સુધી પહોંચાડવા કોર્ટે યોગ્ય આદેશો કરવા જોઇએ.

આરોપીઓ તરફથી પણ આ અંગે વાંધો રજૂ નહોતો કરવામાં આવ્યો અને ખાતરી આપવામાં આવી હતી કે ઇન્જેક્શન બાબતે તેઓ ટ્રાયલ દરમિયાન કોઇ તકરાર કે ક્લેઇમ રજૂ કરશે નહી. જેથી કોર્ટે આદેશ કર્યો હતો કે અત્યારે આ ઇન્જેક્શન ઘણાં દર્દીઓ માટે નવજીવન સાબિત થઇ શકે તેમ છે અને પોલીસ કબ્જામાં તે એક્સપાયર થઇ શકે છે. જેથી તેને પોલીસ કબ્જમાં રાખવા યોગ્ય નથી અને તેને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને સોંપવામાં આવે તે ન્યાયોચિત જણાઇ રહ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો