આખા જગતમાં ઇઝરાયેલમાં ઇન્ટરનેટ સૌથી સસ્તું : ભારતનો ક્રમ 28મો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-04-2021

ભારતનો સમાવેશ હવે સૌથી સસ્તું ઈન્ટરનેટ પુરું પાડનારા દેશમાં નથી થતો. કંપનીઓએ ડેટાનો ભાવ વધાર્યો એટલે સૌથી સસ્તું ઈન્ટરનેટ આપનારા દેશોના લિસ્ટમાં ભારતનો ક્રમ ૨૮મો નોંધાયો છે. ભારતમાં ડેટાનો એવરેજ ભાવ ૦.૬૮ ડૉલર (૫૦ રૂપિયા) નોંધાયો છે. બ્રિટિશ કંપની કેબલે આ રિપોર્ટ તૈયાર કર્યો હતો. તેણે રિપોર્ટ માટે ભારતમાં ઉપલબ્ધ વિવિધ કંપનીઓના ૫૮ ડેટા પ્લાનની વિગતો તપાસી સરેરાશ આંક રજૂ કર્યો હતો.

રિપોર્ટ પ્રમાણે ભારતમાં અમુક પ્લાન હેઠળ સસ્તો ડેટા માત્ર ૦.૦૫ ડોલર (૪ રૂપિયા)માં મળે છે, જ્યારે સૌથી મોંઘો ડેટા ૨.૭૩ ડૉલર (૨૦૩ રૂપિયા) નોંધાયો હતો.

ભારતમાં ૨૦૨૦માં ડેટાનો સરેરાશ ભાવ ૦.૦૯ ડૉલર (૬.૭૦ રૂપિયા) હતો. તેમાં આ વર્ષે સાડા સાત ગણો વધારો થયો છે. સૌથી સસ્તો ડેટા ઈઝરાયેલમાં છે. ત્યાં સરેરાશ ભાવ ૦.૦૫ ડૉલર છે. એ પછી બીજો ક્રમ કિર્ગિઝસ્તાનનો છે. ભારતમાં તો પણ અનેક દેશોની સરખામણીએ ડેટા સસ્તો છે અને તેનું કારણ રિલાયન્સ જીઓનું આગમન છે. ડેટાનો વિશ્વમાં સરેરાશ ભાવ તો ૪.૨૧ ડૉલર (૩૧૩.૬૦ રૂપિયા) છે. રિપોર્ટમાં કુલ ૨૩૦ દેશોના ઈન્ટરનેટ પ્લાનની વિગતો રજૂ કરવામાં આવી હતી. સૌથી મોંઘુ ઈન્ટરનેટ ઈક્વેટોરિયલ ગુયાના દેશમાં નોંધાયુ છે. ત્યાં ડેટાનો ભાવ ૪૯.૬૭ ડૉલર (૩૭૦૦ રૂપિયા) નોંધાયો છે.

બીજી તરફ વિશ્વમાં પાંચ વર્ષ દરમિયાન સ્માર્ટફોન વાપરનારાઓની સંખ્યા ડબલ થઈ હતી. બાયશેરના રિપોર્ટ પ્રમાણે ૨૦૧૫માં જગતમાં સ્માર્ટફોન યુઝર્સ ૩ અબજ હતા, એ ૨૦૨૦માં વધીને ૬.૧ અબજ થયા છે. એ સિવાય સાદા ફોનની સંખ્યા તો અલગ. સ્માર્ટફોન લોકોના જીવનનું લગભગ અનિવાર્ય અંગ બનતો જાય છે. ૨૦૨૦ના આંકડા મુજબ ચીન ૯૧.૨ કરોડ સ્માર્ટફોન યુઝર્સ સાથે પહેલા ક્રમનો દેશ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો