હવા દ્વારા સૌથી વધુ ફેલાય છે કોરોના, મળ્યા મજબૂત પૂરાવાઃ લેન્સેટ સ્ટડી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-04-2021

મેડિકલ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત નવા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે તે વાતના પૂરતા પૂરાવા મળ્યા છે કે SARS-CoV-2 વાયરસ જેનાથી કોરોના ફેલાય છે તે સૌથી વધારે હવાથી ફેલાય છે. આ અભ્યાસને યુકે, યુએસ અને કેનેડાના છ નિષ્ણાતોએ મળીને કર્યો છે. તેમાં યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડર અને કોઓપરેટિવ ઈન્સ્ટિટ્યુટ ફોર રિસર્ચ ઈન એન્વાયરમેન્ટલ સાયન્સના કેમિસ્ટ હોજે-લૂઈસ જિમેનેજ પણ સામેલ છે.

તેમણે જણાવ્યું હતું કે, કોરોના હવાથી ફેલાય છે તેના પૂરાવા આશ્ચર્યજનક છે. જ્યારે મોટા ડ્રોપલેટ દ્વારા તેના ફેલાવાના પૂરાવા લગભગ ના બરાબર છે. તેમણે કહ્યું છે કે તે જરૂરી છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને અન્ય પબ્લિક હેલ્થ એજન્સીઓ વાયરસના ફેલાવાને લઈને પોતાનું વર્ણન વૈજ્ઞાનિક આધાર પર બદલે જેથી તેનો સામનો કરવા માટે હવાથી ફેલાવાના આધાર પર પગલા લઈ શકાય.

યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડની ટ્રિશ ગ્રીનહોના નેતૃત્વમાં પ્રકાશિત આ સંશોધનમાં ઘણા પૂરાવા આપવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે કેવી રીતે વાયરસ મોટા ભાગે હવા દ્વારા ફેલાય છે. તેમાં સુપર સ્પ્રેડર ઈવેન્ટની વાત કરવામાં આવી છે. તેમાં તે પણ કહેવામા આવ્યું છે કે ખુલ્લી જગ્યા કરતા બંધ જગ્યા પર કોરોનાના ફેલાવાનો દર વધારે છે.

સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે વાયરસ હવા દ્વારા ઝડપથી ફેલાય છે અને તેથી વિશ્વએ આ આધાર પર બચાવના પગલાં ઉઠાવવાની જરૂર છે. જો કોઈ વાયરસ હવા દ્વારા ફેલાય છે તો તે કોઈ પણ કોરોનાગ્રસ્ત વ્યક્તિ શ્વાસ છોડે, બોલે, બૂમો પાડે, ઉધરસ કે છીંક ખાય ત્યારે હવામાં આવી શકે છે. બાદમાં હવા દ્વારા તે આગળ ફેલાય છે.

તેવી પરિસ્થિતિમાં વેન્ટિલેશન, હવાને સાફ કરવા, ભીડ અને લોકોના અંદર રહેવાના સમયને ઓછો કરવા અને અંદર પણ માસ્ક પહેરવા, માસ્કની ક્વોલિટી અને ફિટિંગ જોવા અને સ્વાસ્થ્ય કર્મીઓને પણ ઉચ્ચ ગુણવત્તાની પીપીઈ કિટ આપવાને લઈને પગલાં ભરવાની જરૂર છે, તેમ સંશોધકોએ જણાવ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો