CM રાજકોટ, મોરબી આવ્યા છતાં સ્થિતિ ઠેરની ઠેર: ખાનગી હોસ્પિટલોમાં હજુ પણ બેડ નથી, નથી, નથી તે નથી જ!!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-04-2021

મોરબી, રાજકોટ સ્થિતિ દિવસેને દિવસે વણસતી જતી હોવાને કારણે તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી મારતી મોટરે મોરબી, રાજકોટ દોડી આવ્યા હતા અને સ્થાનિક તંત્ર સાથે બેઠક કરી હતી. બેઠક બાદ એવી જાહેરાત કરાઈ હતી કે સરકાર દ્વારા પૂરતી સંખ્યામાં બેડ વધારવામાં આવશે પરંતુ વરવી વાસ્તવિકતા એ છે કે હજુ પણ બે માંથી એકેય શહેરની એક પણ ખાનગી હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ નથી. અત્યાર સુધીમાં એક પણ ખાનગી હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ નહીં હોવાનું ધ્યાન પર આવ્યું છે.

સ્થાનિક મીડિયા દ્વારા ખાનગી હોસ્પિટલમાં બેડની સ્થિતિ અંગે ફરી રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું જેમાં સ્થિતિ ઠેરની ઠેર હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા શહેરની 26 હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે પરંતુ એક પણ હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ હોવાનો જવાબ મળ્યો નથી. અમુક હોસ્પિટલોના સ્ટાફે તો બેડ વિશે વાત કરવાનો જ ઈનકાર કરી દીધો હતો તો અમુક હોસ્પિટલોમાં અત્યારે 50 દર્દીઓનું વેઈટિંગ ચાલી રહ્યાનું ખુલવા પામ્યું છે.

બીજી બાજુ સિવિલ હોસ્પિટલમાં પણ અત્યારે બેડ ઉપલબ્ધ નહીં હોવાને કારણે દર્દીઓ ‘બીચ્ચારા’ બનીને બેડ માટે આમતેમ ભટકી રહ્યા છે. હદ તો ત્યાં થઈ જાય કે એક દર્દીએ ત્યાં સુધી કહી દીધું કે જો મારા સ્વજનને બેડ મળી જાય તો હું મારું સઘળું વેચી દેવા અથવા તો આપી દેવા માટે તૈયાર છું ! અહીં કલ્પના જ કરવી ઘટે કે બેડ માટે કેવા પ્રકારની રઝળપાટ ચાલી રહી હશે. અમુક દર્દીઓને 108 માં જ સારવાર હેઠળ રાખવામાં આવી રહ્યાની સ્થિતિ ચાલી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો