અમદાવાદની હોસ્પિટલોમાં ઓક્સિજનની ભયાનક તંગી, ડૉક્ટરોએ રુપાણીને આપી ચેતવણી

જો હોસ્પિટલોને ઓક્સિજનનો પૂરતો સપ્લાય ના મળ્યો તો મૃત્યુઆંક વધશે, ડૉક્ટરોને પોતાની હોસ્પિટલો બંધ કરી દેવાની ફરજ પડશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-04-2021

શહેરના મેડિકલ એસોસિએશને સીએમ વિજય રુપાણીને એક પત્ર લખીને જણાવ્યું છે કે હાલ ઓક્સિજનની ભયાનક તંગીના કારણે કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં ખૂબ મોટી મુશ્કેલી આવી રહી છે. ડૉક્ટર્સે પોતાના પત્રમાં જણાવ્યું છે કે, સ્થિતિ રોજેરોજ બદથી બદતર થઈ રહી છે. તમામ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન પૂરતી માત્રામાં ઉપલબ્ધ ના હોવાના કારણે ડૉક્ટર્સ જેમને ઓક્સિજનની જરુર છે તેવા દર્દીની સારવાર કરવા પણ સમક્ષ નથી.

આ પણ વાંચો : મોરબી સીરામીક ઉદ્યોગકારોએ 200 ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન બોટલને મેડીકલમાં કન્વર્ટ કરી આપ્યા

જો સ્થિતિમાં કોઈ ફરક ના પડ્યો તો ડૉક્ટર્સને પોતાની હોસ્પિટલો બંધ કરી દેવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારતા પત્રમાં એમ પણ જણાવાયું છે કે જો આમ થયું તો હાલ જે સ્થિતિ પ્રવર્તી રહી છે તે વધુ ભયાનક બનશે. હોસ્પિટલોમાં ઓક્સિજનનો સપ્લાય જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેના ઉત્પાદકોને તેનો જથ્થો માત્ર હેલ્થ સેક્ટરને જ આપવા માટે સરકાર નિર્દેશ આપે તેવી વિનંતી પણ ડૉક્ટર્સે કરી છે.

ગુજરાતમાં હાલના દિવસોમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. ગઈકાલે રાજ્યમાં 6600થી વધારે નવા કેસો નોંધાયા હતા. કેસો વધવાની સાથે ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. સિવિલ તેમજ એસવીપી જેવી મોટી સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય કરવા માટે ટેંક બનાવવામાં આવી છે. જોકે, નાની પ્રાઈવેટ હોસ્પિટલોમાં આવી કોઈ વ્યવસ્થા નથી. જેથી ડિમાન્ડ વધે ત્યારે તેમના માટે ઓક્સિજનનો સપ્લાય સુનિશ્ચિત કરવો મુશ્કેલ બની જાય છે.

રાજ્યમાં કેસો વધી રહ્યા છે તેમ હોસ્પિટલોમાં એડમિટ થતાં દર્દીઓની સંખ્યા પણ ઉત્તરોત્તર વધી રહી છે. અમદાવાદમાં તો હાલ એ સ્થિતિ છે કે શહેરની પ્રાઈવેટ હોસ્પિટલોના આઈસીયુ અને વેન્ટિલેટર બેડ લગભગ ફુલ થઈ ચૂક્યા છે. સરકારી હોસ્પિટલોમાં પણ દર્દીને એડમિટ કરવા આવેલી એમ્બ્યુલન્સ કલાકો સુધી વેઈટિંગમાં પડી રહે છે. ગયા વર્ષે પણ શહેરમાં કોરોનાના કેસ વધ્યા ત્યારે આવી જ સ્થિતિ સર્જાઈ હતી. જોકે, હાલ તો ગયા વર્ષ કરતાં કેસનો આંકડો લગભગ બમણો છે, તેવામાં ઓક્સિજનની તંગીને કારણે દર્દીઓની સારવાર કરવું મુશ્કેલ બની રહ્યું છે.

ઓક્સિજનની સાથે-સાથે રેમડેસિવિર ઈન્જેક્શનની તંગી પણ હજુય યથાવત છે. પ્રાઈવેટ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓના સગા ઈન્જેક્શન માટે હજુય આમથી તેમ રઝળપાટ કરવા માટે મજબૂર છે. એક તરફ જરુરિયાતમંદોને ઈન્જેક્શન નથી મળી રહ્યા, તો બીજી તરફ તેના કાળા બજાર પણ થઈ રહ્યા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે, અને પોલીસે આ મામલે કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો