રાજકોટની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ, 4ના મોત 10 ઈજાગ્રસ્ત

Dainikbhaskar.com

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-04-2021

રાજકોટની એક કેમિકલ ફેક્ટરીમાં સોમવારે રાત્રિના સમયે એકાએક બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં કંપનીમાં કામ કરી રહેલા ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા અને એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જોકે આ ઘટનામાં કંપનીમાં કામ કરતા 10 જેટલા કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. તો ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કંપનીમાં લાગેલી આગ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આ ઘટનાને લઇને આસપાસના સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ કંપનીમાં 22 કરતા વધારે લોકો કામ કરી રહ્યા હતા અને તે સમયે આ ઘટના બની હતી.

રિપોર્ટ અનુસાર, રાજકોટના વાંકાનેર રોડ પર ગોરવા ગામની સીમમાં દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની કેમિકલ કંપની આવેલી છે. જોકે આ કંપનીમાં સોમવારે રાત્રિના સાડા આઠ વાગ્યે મજૂરો કામ કરી રહ્યા હતા. તે સમયે કોઈ કારણોસર સ્ટીમ ટેન્ક ઓવરલોડ થઈ ગઈ હતી અને જેના કારણે સ્ટીમ ટેન્ક ફાટી હતી. જે સમયે આ ઘટના બની તે સમયે કંપનીમાં 22 જેટલા કામદારો કામ કરી રહ્યા હતા. આ ઘટનામાં ટેન્કની આસપાસ કામ કરી રહેલા 9 જેટલા શ્રમિકો દૂર ફંગોળાયા હતા અને બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ બાજુના ગામ સુધી આવ્યો હતો. ઘટનાની જાણ થતા આજુબાજુના ગામના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દાઝી ગયેલા લોકોને સારવાર માટે છકડામાં બેસીને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આ ઉપરાંત અન્ય 10 જેટલા લોકોને દાઝી ગયેલી હાલતમાં 10 વાગ્યા આસપાસ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. આ ઘટનાની અંદર ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા અને એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ઈજાગ્રસ્ત લોકોમાં અનિલ કુમાર, મનોજ, મોહન, છોટન, સન્ની, સરમન, રોશન, મહેશ્વર અને એક વ્યક્તિનો સમાવેશ થાય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો