સારી સારવાર અપાવવા સિવિલમાં નકલી IPS રોફ જમાવતો, ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો

divyabhaskar.co.in

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-04-2021

કોરોનાની મહામારીના કાળમાં અફવા અને નકલી માણસોની માર્કેટમાં પણ તેજી આવી હોય એવું ચિત્ર છે. રાજકોટ શહેરમાં રેમડેસિવિર ઈન્જેક્શસન લેવા માટે લાઈન લાગી છે ત્યારે શહેરમાં જે તે જગ્યાએ ઈન્જેક્શન મળવાની અફવાથી અનેક લોકો દોડતા થયા હતા. બીજી તરફ ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં ઊભી કરવામાં આવેલી સિવિલ હોસ્પિટલના કોરોના કંટ્રોલ રૂમમાં ચાર દિવસથી ખાનગી કંપનીનો ન્યુટ્રિશિયન અધિકારી IPS બનીને રોફ જમાવતો હતો.

ચોક્કસ બાતમીના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાંચના PSI વી.જે. જાડેજા સહિતની ટીમ શનિવારે આ કંટ્રોલ રૂમ સુધી પહોંચી હતી. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતા સંબંધી ખોટો લાભ ન ઊઠાવે એ માટે પોલીસ બંદોબસ્ત મૂકી દેવાયો છે. ચાર દિવસથી આવતા 24 વર્ષના યુવક અંગે ક્રાઈમ બ્રાંચને બાતમી મળતા તેને ઝડપી લેવા માટે આયોજન થયું હતું. પોલીસે જ્યારે તેને પૂછ્યું ત્યારે તેણે મહારાષ્ટ્ર કેડરના IPS તરીકે પોતે એક અધિકારી હોવાની ઓળખ આપી. પોતાનું નકલી આઈડી કાર્ડ પણ બતાવ્યું હતું. વાતચીત શંકાસ્પદ આવતા તેને રાજકોટ ક્રાઈમ બ્રાંચ કચેરીએ લઈ જવાયો હતો. આગવી ઢબે પૂછપરછ કરતા હકીકત સામે આવી હતી. રાજકોટ શહેરના શ્રોફ રોડ પર આવેલા કિતાબઘર પાસે મંગલમ્ એપોર્ટમેન્ટમાં રહેતો સંકેત રાજકુમાર મહેતા નકલી IPS બનીને રોફ જમાવતો હતો. હકીકતમાં એના સગા કોવિડમાં એડમીટ છે. જેને સારી સારવાર મળે અને લાઈનમાં ઊભા ન રહેવું પડે એ માટે આ કિમીયો અજમાવ્યો હતો. સંકેતે Bsc. બાયો ટેકનોલોજીનો અભ્યાસ કર્યો છે. ખાનગી કંપનીમાં નોકરી કરે છે. બનેવીના કાકાને સિવિલમાં દાખલ કરાયા હતા. તબીબો અંગત રીતે ધ્યાન આપે એ માટે નકલી IPS બનવા વિચાર કર્યો હતો. આ માટે ગુગલમાં સર્ચ કરી ઓનલાઈન ખોટા સિમ્બોલ ભેગા કરી IPS અધિકારી તરીકેનું કાર્ડ બનાવ્યું હતું. આ કાર્ડ નર્સિંગ સ્ટાફ, તબીબો તથા કંટ્રોલરૂમના કર્મચારીઓને દેખાડીને રોફ જમાવતો હતો.

કંટ્રોલમાં જતો ત્યારે કર્મચારીઓ એને ખુરશીની ઓફર કરતા. તબીબોને ઘરેથી ફોન કરીને સંબંધીની તબિયત પૂછતો. સારવારમાં ધ્યાન દેવાનું કહેતો. તબીબો પણ એને પોલીસ ખાતાનો ઉચ્ચ અધિકારી સમજીને પ્રતિસાદ આપતા. પોલીસે સંકેત પાસેથી નકલી કાર્ડ અને મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં એક વર્ષથી કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે. જ્યારે પોતાના સ્વજનોને જોવા મોટી સંખ્યામાં લોકો આવે છે. આવા ખોટા તત્ત્વો લાભ ન લઈ જાય એ માટે પોલીસ ટીમ પણ તહેનાત રહે છે. આ કાર્ડ તા.1 સપ્ટેમ્બર 2020ના રોજ ઈસ્યુ થયાનું જાણવા મળ્યું છે. વર્ષ 2019માં તેણે GPSCની પરીક્ષા આપી હતી. પણ સફળ થયો ન હતો. હાલમાં તે જામનગરમાં આવેલી નેસ્લે કંપનીમાં ન્યુટ્રીશિયન તરીકે ડ્યૂટી કરે છે. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, તે UPSCની પ્રિલિમ પરીક્ષામાં નાપાસ થયો હતો. પણ પરિવારના સભ્યો અને સંબંધી સામે તે પાસ થઈ પસંદગી પામ્યો છે એવો દાવો કર્યો. આ ઉપરાંત તેણે ખોટું પરિણામ પણ બનાવી દીધું હતું. જે ફેસબુક પર અપલોડ કરીને યુવતીને આકર્ષિત કરીને ચેટિંગ કરતો હતો. અન્ય કોઈ છેત્તરપિંડી કરી છે કે નહીં એ અંગે પોલીસ તપાસ ચાલું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો