ગુજરાત શિક્ષણ બોર્ડની ૨૫મીએ યોજાનારી ચૂંટણી પણ અંતે મોકુફ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-04-2021

ઉમેદવારો પણ ફાઈનલ થઈ ગયા બાદ મોકુફ કરવી પડીઃ ૧૫ મહિનાથી ટલ્લે ચડેલી ચૂંટણીને ફરી ગ્રહણ

ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી પણ અંતે કોરોનાને લીધે મોકુફ કરી દેવાઈ છે.ઉમેદવારો ફાઈનલ થઈ ગયા બાદ ચૂંટણી મોકુફ કરવી પડી છે અને પહેલેથી ૧૫ મહિના ચૂંટણી મોડી થઈ છે ત્યારે  હવે ચૂંટણી ફરી કેટલી મોડી થશે તે નક્કી નથી.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વધુ વણસી જતા સરકારની રજૂઆતને પગલે ચૂંટણી પંચે ગાંધીનગર મ્યુનિસિપલ કોપોેરેશનની ચૂંટણી મોકુફ કર્યા બાદ હવે ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી પણ મોકુફ કરવી પડી છે.ગુજરાત શિક્ષણ બોર્ડની ૯ બેઠકોમંાંથી બે બેઠકો બિન હરિફ થયા બાદ ૭ બેઠકો માટે ૨૫મી એપ્રિલે ચૂંટણી યોજાનારી હતી અને જે માટે ઉમેદવારી ફોર્મ ભરવાથી માંડી સ્ક્રુટિની અને ફાઈનલ ઉમેદવારો જાહેર થવા સહિતની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ ગઈ હતી.પરંતુ કોરોનાને લઈને વિવિધ મંડળોએ ચૂંટણી મોકુફ કરવા રજૂઆત કરી હતી. ચૂંટણી પ્રક્રિયામા મોટી સંખ્યામાં સ્ટાફ હોવા સાથે મતદારો પણ ૧ લાખ જેટલા શિક્ષકો હોવાથી  સંક્રમણનું જોખમ હતુ જેને પગલે મોકુફ કરવાની માંગો ઉઠી હતી અને બોર્ડે આજે વિધિવત રીતે મોકુફ કરવાની જાહેરાત કરી છે.મહત્વનુઁ છે કે ગુજરાત શિક્ષણ બોર્ડના ચૂંટાતા સભ્યોની ૩ વર્ષની મુદત જાન્યુઆરી ૨૦૨૦માં પૂર્ણ થયા બાદ પણ ચૂંટણી યોજાઈ ન હતી અને મોડે મોડે માંડ ચૂંટણી જાહેર કરી મોટા ભાગની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી.બોર્ડની ચૂંટણીને લાગેલુ આ ગ્રહણ ક્યારે હટશે તે નક્કી નથી. બીજી બાજુ ચૂંટણી મોકુફ થતા ગુજરાત શાળા સંચાલક મંડળના પૂર્વ હોદ્દેદાર અને આ ચૂંટણીમાં સુરતના ઉમેદવાર દિપક રાજ્યગુરુએ તમામ શાળા સંચાલકોને કોવિડની કામગીરીમાં જોડાવા માટે અનુરોધ કર્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો