વેક્સિન લીધા પછી પણ કોરોના થઈ શકે અને ફેલાઈ શકે છે સંક્રમણ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-04-2021

વેક્સિન લીધા પછી પણ કોરોનાનું સંક્રમણ થઈ શકે છે, અને વેક્સિન લેનાર તે પછી સંક્રમણ ફેલાવી શકે છે, તે પ્રકારની ચેતવણી નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈમ્યુનોલોજીના અહેવાલમાં આપવામાં આવી છે. કોરોનાની વેક્સિન લીધા પછી પણ કેટલાક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે, જેથી સવાલ ઊભા થઈ રહ્યા છે કે, તો પછી વેક્સિન લેવાનો શું મતલબ? નિષ્ણાતોના મતે આમ થવા પાછળના અનેક કારણ છે. તેમનું કહેવું છે કે, મહામારીથી બચવા માટે વેક્સિન જ એકમાત્ર ઉપાય છે. વેક્સિન સંક્રમણથી બચાવે છે અને સંક્રમિત થનારા વ્યક્તિની બીમારીને પણ ગંભીર નથી બનવા દેતી. નિષ્ણાતોએ એવી પણ ચેતવણી આપી છે કે, રસી લીધા પછી પણ સંક્રમિત થનાર કોરોના ફેલાવી શકે છે. નવી દિલ્હીની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈમ્યુનોલોજીના અહેવાલમાં ચેતવણી અપાઈ હતી કે, રસી લઈ લીધા પછી પણ એ વ્યક્તિ અન્યને કોરોનાનો ચેપ લગાડી શકે છે, માટે સાવધાન રહેવું જરૃરી છે. સંસ્થાના ઈમ્યુનોલોજીસ્ટ ડો. સત્યજીત રથે કહ્યું હતું કે, વેક્સિન લીધા પછી પણ સાવધાની રાખવી જોઈએ. સંશોધનમાં જણાયું હતું કે, રસી લેનારી વ્યક્તિને કોરોનાગ્રસ્ત થયા પછી વ્યક્તિ અન્યને ચેપ ચોક્કસ લગાડી શકે છે.

વેક્સિન લઈ લેવાથી ટ્રાન્સમિશીબિલિટી એટલે કે રોગ ફેલાવવાની શક્યતા ઘટતી નથી. રસી લીધા પછી પણ એ વ્યક્તિ બીજાને કોરોનાનો ચેપ લાગવી શકે છે. નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈમ્યુનોલોજીના વિજ્ઞાનીઓએ કહ્યું હતું કે, વેક્સિન લીધા પછી પણ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. સંશોધકોના કહેવા પ્રમાણે દેશભરમાં એવી ભૂલભરેલી માન્યતા છે કે વેક્સિન લીધા પછી એ વ્યક્તિને કોરોનાનો ચેપ લાગતો નથી.

બીજી ભૂલભરેલી માન્યતા એ છે કે, વેક્સિન લીધા પછી એ વ્યક્તિથી બીજા કોઈને કોરોનાનો ચેપ લાગતો નથી. આ બન્ને ધારણા ખોટી છે. ડો. સત્યજીત રથે કહ્યું હતું કે, કોરોના સામેની લડાઈમાં વેક્સિન એક વ્યૂહરચના છે. એ એક વ્યૂહરચના કોરોનાને સદંતર હરાવવા માટે પૂરતી નથી. આ કોઈ ચમત્કારિક સમાધાન નથી. લોકોએ વેક્સિન લીધા પછી સાવધાની રાખવી જોઈએ.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો