કોરોના દર્દીનું મૃત્યુ થતાં સોલા સિવિલના ICUમાં ભારે તોડફોડ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-04-2021

કોરોના પેશન્ટ મહિલાનું મૃત્યુ નિપજતાં તેમના સંબંધી એવા ત્રણ યુવકોએ સોલા સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં તોડફોડ કરી હતી. ગંભીર બાબત એ છે કે, આઈસીયુમાં સ્પિરિટ છાંટીને આગ ચાંપવાનો પ્રયાસ કરાતાં હોસ્પિટલ સ્ટાફમાં નાસભાગ મચી ગઈ હતી. ડરના કારણે હોસ્પિટલ સ્ટાફ પાંચમા માળે પહોંચતાં ત્રણ યુવકો ત્યાં ધસી ગયા હતા અને કાચ તોડી-ફોડી નાંખ્યા હતા. અડધો કલાક સુધી દહેશતનો માહોલ સર્જનાર થલતેજના ત્રણ યુવકને સોલા પોલીસની ટીમે તરત પહોંચી જઈ સ્થળ પરથી જ ઝડપી લીધા હતા. સોલા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સોલા સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ આર.એમ.ઓ. પ્રદિપભાઈ જી. પટેલએ થલતેજના બળિયાદેવ મંદિર પાસે રહેતા ઉદય શ્યામસિંગ ઠાકોર, સાગર શ્યામસિંગ ઠાકોર અને જીતેન્દ્ર જયમીત ઠાકોર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, સોલા સિવિલ હોસ્પિટલના એ બ્લોકમાં ચોથા માળથી નવમા માળ સુધીના સ્પેશિયલ વોર્ડ કોરોના દર્દીઓ માટે ફાળવવામાં આવેલા છે. તા. ૧૧ના રાતે એક વાગ્યાના અરસામાં આઈસીયુમાંથી નર્સિંગ સ્ટાફ ધવલ પટેલે ફોન કરીને જણાવ્યું હતું કે, એક કોરોના પેશન્ટનું બિમારીના કારણે મૃત્યુ નિપજ્યું છે.

કોરોના પેશન્ટનું મૃત્યુ થવાથી તેના સગાવહાલા હોસ્પિટલમાં ઝઘડો-તકરાર કરીને ગાળાગાળી કરી તોડફોડ કરે છે. આ બનાવની જાણ થતાં ઈન્ચાર્જ આરએમઓ તરત હોસ્પિટલ પર પહોંચ્યા હતા. નાઈટ ડયૂટીમાં રહેલા આસિ. આરએમઓ ડો. કિરણ ગોસ્વામી, સુપ્રિટેન્ડેન્ટ ડો. પિનાબેન સોની, આઈસીયુના ઈન્ચાર્જ ડો. અલકા સોની સહિતના સ્ટાફની પાસે વિગતો જાણી હતી.

થલતેજમાં રહેતા રીનાબહેન શ્યામસિંહ યાદવ (ઉ.વ. ૪૫) કોરોના પોઝીટીવ દર્દી હતાં. તેમને શ્વાસ લેવાની તકલિફ હોવાથી આઈસીયુ વોર્ડમાં દાખલ કરાયા હતા. તા. ૧૧ના રાતે ૧૦ વાગ્યાના અરસામાં તબિયત વધુ ખરાબ થતાં સગાને મોબાઈલ ફોન પર જાણ કરવા ફોન કરાયો હતો પણ ફોન લાગ્યો નહોતો. રાતે ૧૨ વાગ્યે પેશન્ટના સગા વોર્ડમાં આવી ગયાં હતાં.

સગાઓએ આવીને ઉશ્કેરાઈ જઈ જેમ ફાવે તેમ ગાળો બોલી કોણ ડોક્ટર છે, કોણે મારી માતાને મારી નાંખી? તેવી બૂમાબૂમ શરુ કરી હતી.

વોર્ડના સ્ટાફ મૃતક દર્દીના સગાને સમજાવવા છતાં સ્ટાફને લાકડી લઈ માર મારવા દોડયા હતા. આથી, સ્ટાફના માણસો રુમમાં પૂરાઈ ગયા હતા. દર્દીના સગાએ વોર્ડમાં રાખેલા કોમ્પ્યુટર, સીપીયુ ફેંકી દીધા હતા અને ડોક્ટરનો સારવારનો સામાન ફેંકી દીધો હતો. આઈસીયુ વોર્ડના ઈલેક્ટ્રીક વાયરિંગ ખેંચી તોડી નાંખ્યા હતા અને સ્પિરીટ સળગાવવા પ્રયાસ કર્યો હતો.

 વોર્ડના સિક્યુરિટી ગાર્ડે તેમને રોકવાનો પ્રયાસ કરતાં દર્દીના ત્રણ સગાએ સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હતો. સ્પિરિટ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવતાં આગના ડરથી હોસ્પિટલ સ્ટાફ છઠ્ઠા માળેથી પાંચમા માળે આવી ગયો હતો. આ દર્દીના ત્રણ સગા પાંચમા માળે આવ્યા હતા અને ત્યાં પણ કાચના દરવાજા અને કાચના સેક્શન લાકડીઓથી તોડયા હતા.

ડોક્ટરને જાનથી મારવાની ધમકી આપી રહેલા ત્રણ યુવકો  ઉદય શ્યામસિંગ ઠાકોર, સાગર શ્યામસિંગ ઠાકોર અને જીતેન્દ્ર જયમીત ઠાકોર બેકાબૂ બન્યાં હતાં. કન્ટ્રોલ રુમને ફોન કરાયો હોવાથી સોલા પોલીસ સ્ટેશનના પી.આઈ.  જે.પી. જાડેજા અને ટીમ પહોંચી ગઈ હતી. પોલીસે ત્રણેય આરોપી ઉદય, સાગર અને જીતેન્દ્રને ઝડપી લીધા હતા. સોલા સિવિલ હોસ્પિટલમાં તોડફોડ કરી ૭૦૦૦૦નું નુકસાન કરવા અંગે સોલા પોલીસે ગુનો નોંધી ત્રણેય યુવક વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો