કોરોનાને કાબુમાં લેવા હવે સૌરાષ્ટ્રમાં સ્વૈચ્છિક લોકડાઉનનો દૌર

વેપારી સંગઠનો-ગ્રામ પંચાયતો દ્વારા મોરબી-જામનગર-અમરેલી-સુરેન્દ્રનગર-જામનગર-ગીર સોમનાથ જીલ્લામાં આજથી એક સપ્તાહથી માંડી તા.30 દિવસ સુધી ‘હાફ-ડે’ લોકડાઉનના નિર્ણયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-04-2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રસરેલી કોરોના લહેર હવે બેકાબુ બની ગઈ છે અને સર્વત્ર પોઝીટીવ કેસો વધી રહ્યા છે. સાથો-સાથ કોરોનાને કારણે મોત પણ ટપોટપ થઈ રહ્યા છે.

ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છના અનેક ગામો શહેરોમાં વેપારી સંગઠનો દ્વારા સ્વૈચ્છીક લોકડાઉનનો દૌર શરૂ કરી દેવાયો છે અનેક સ્થળોએ અડધા દિવસનું તો, અમુક સ્થળોએ પુરા દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરાયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ જામનગરનાં કાલાવડ તાલુકાનાં નવાગામ ખાતે આજથી તા.17 સુધી સાત દિવસ માટે ગ્રામ પંચાયતે લોકડાઉન જાહેર કર્યું છે. આજ રીતે અમરેલી જીલ્લાનાં ધારીમાં પણ આજથી તા.30 સુધી બપોરના 3 વાગ્યા બાદ વેપાર ધંધા બંધ રાખવા વેપારી મહામંડળે નિર્ણય કર્યો છે તેમજ કૂંકાવાવ ખાતે પણ બપોરનાં 2 વાગ્યા બાદ તા.30 સુધી સ્વૈચ્છીક લોકડાઉન રહેશે.

આ ઉપરાંત વિસાવદર ખાતે પણ ન.પા.અને વેપારીઓની એક બેઠકમાં આજે સોમવારથી તા.31 સુધી સ્વયંભુ લોકડાઉન માટે નિર્ણય કરાયો હતો. તેમજ આજે બપોર બાદ જસદણની બજારો પણ બંધ રહેવા પામી હતી. જયારે, હડીયાણા ગ્રામ પંચાયતે પણ આજથી તા.30 સુધી સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધી બંધ રાખવા નિર્ણય કરાયો છે.

વેરાવળ ન.પા.ખાતે પણ પદાધિકારીઓ અને વેપારી સંગઠનોનાં પ્રતિનિધિઓની બેઠકમાં કોરોના ચેઈન તોડવા આજથી તા.18 સુધી સાંજે 5 વાગ્યા બાદ વેપાર ધંધા, બંધ રાખવા નિર્ણય કરાયો હતો.આજ રીતે વેરાવળનાં બાદલપરામાં પણ દસ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન અને ભાલપરા ગામમાં પણ અડધા દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન દસ દિવસ માટે રાખવા નિર્ણય કરાયો હતો.

આજ રીતે ઉનામાં પણ આવતીકાલથી તા.18 સુધી છ દિવસ માટે સ્વૈચ્છીક લોકડાઉન રહેશે.જોકે દવા-મેડીકલ સ્ટોર-હોસ્પીટલ-લેબોરેટરી પણ ખુલ્લા રહેશે અને દુધનાં વેપારીઓ સવારે 5 થી 11 અને સાંજે 5 થી 8 ખુલ્લા રાખી શકશે. સુત્રાપાડામાં પણ તા.30 સુધી બપોરે 4 વાગ્યા બાદ લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત ઉપલેટાનાં મીઠાઈ-ફરસાણનાં વેપારીઓ પણ સાંજે 6 વાગ્યા બાદ બંધ રાખવા નિર્ણય કર્યો છે.

જયારે સાવરકુંડલામાં દર રવિવારે બંધ રાખવા અને માણાવદરમાં સોમથી શુક્ર લોકડાઉન રહેશે. દરમ્યાન મોરબી જીલ્લાનાં ત્રણમાંથી બે યાર્ડ પણ તા.17 સુધી બંધ રાખવા નિર્ણય કરાયો છે તથા મોરબી શહેર જીલ્લામાં પણ આજથી એક સપ્તાહ સુધી ‘હાફ-ડે’ લોકડાઉનનો નિર્ણય કરાયો છે. સુરેન્દ્રનગરનાં ચૂડા અને થાનમાં પણ સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય કરાયો છે તેમજ ધ્રોલમાં આજથી તા.18 સુધી બપોરે 2 વાગ્યાથી વેપાર ધંધા બંધ રાખવા નિર્ણય કરાયો છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાનું પ્રભુત્વ વધતા સુપ્રસિદ્ધ ધર્મસ્થાનો- મંદિરો દર્શનાર્થીઓ માટે ફરી એકવાર બંધ કરવામાં આવ્યા છે. સુપ્રસિદ્ધ સોમનાથ, દ્વારકા, બગદાણા, તુલસીશ્યામ, માંડવરાયજી મંદિરમાં દર્શનાર્થીઓ માટે પ્રવેશબંધી કરાઈ છે. આ ઉપરાંત વિરપુલ જલારામ અને ઘેલા સોમનાથ તીર્થસ્થાનોમાં પણ દર્શન અને ભોજનશાળાઓ બંધ કરવામાં આવી છે.

દરમ્યાન સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ટ્રસ્ટનાં જી.એમ.વિજયસિંહ ચાવડાએ જણાવેલ છે કે કોરોનાની પરિસ્થિતિનાં કારણે તા.11થી અન્ય નિર્ણય ન થાય ત્યાં સુધી સોમનાથ મુખ્ય મંદિર સહિત ટ્રસ્ટનાં 6 મંદિરોમાં ભાવિકો માટે દર્શન બંધ રાખવા નિર્ણય કરાયો છે. આ ઉપરાંત કોરોના વાયરસનું સંક્રમણ વધતા દ્વારકાધીશ મંદિર પણ આજે સોમવારથી આગામી તા.30 એપ્રીલ સુધી બંધ રખાશે. મંદિરમાં પુજારી પરિવાર દ્વારા પારંપરિક નિત્યક્રમ કરાશે.

આ ઉપરાંત અન્ય એક જાણીતુ તીર્થસ્થાન તુલસીશ્યામ મંદિર પણ તા.30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. તેમજ સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વિરપુર પૂ. જલારામ બાપાની જગ્યા તેમજ અન્ન ક્ષેત્ર તા.11થી30 સુધી બંધ રાખવા નિર્ણય કરાયો છે. જયારે, તિર્થસ્થળ બગદાણાધામ ખાતે તમામ વિભાગો તા.13થી અન્ય નિર્ણયો ન થાય ત્યાં બંધ રાખવાનો અને ઘેલા સોમનાથ મંદિર પણ તા.11થી 30/4 સુધી બંધ રાખવા નિર્ણય કરાયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો