લોકડાઉન જ બચ્યો છે રસ્તો? હવે રાજ્યપાલો સાથે બેઠક કરશે પીએમ મોદી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-04-2021

દેશમાં કોરોનાના વધતા જતા કેસોની સંખ્યાને જોતાં પીએમ મોદીએ પહેલા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી અને હવે રાજ્યોના રાજ્યપાલો સાથે બેઠક કરવાના છે. દેશમાં બેકાબૂ થતા કોરોનાને જોતા લોકડાઉનની શક્યતા નકારી શકાતી નથી.

દેશમાં કોરોનાના વધતા કેસો અને લોકડાઉનની આશંકા વચ્ચે પીએમ મોદી રાજ્યોના રાજ્યપાલો સાથે મીટિંગ કરશે. 14 એપ્રિલે થનારી આ મીટિંગમાં કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલ પણ સામેલ થશે. દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ બેકાબૂ થતું જોવા મળી રહ્યું હોવાથી ત્યાં લોકડાઉન લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે. જોકે, તે અંગે અંતિમ નિર્ણય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે લેશે. આ પહેલા કોરોનાની સ્થિતિ પર સમીક્ષા માટે પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથે મીટિંગ કરી હતી. જોકે, પીએમ મોદીએ લોકડાઉન લગાવવાનો ઈનકાર કરી દીધો હતો.

ગત 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના એક જ દિવસમાં સૌથી વધુ 1.70 લાખની આસપાસ કેસ નોંધાયા છે, તો મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ કોરોનાએ અત્યાર સુધીના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. કોરોનાના 70 ટકા કેસો માત્ર પાંચ રાજ્યોમાં છે, જેમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને કેરળ સામેલ છે. વિધાનસભા ચૂંટણીઓ વચ્ચે પશ્ચિમ બંગાળમાં પણ કોરોના કેસો ચિંતાજનક હદે વધવાનું શરૂ થઈ ગયું છે.

વર્લ્ડોમીટર મુજબ, દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 1.70 લાખની આસપાસ નવા કેસ સામે આવ્યા છે. આ અત્યાર સુધીના એક દિવસના સૌથી વધુ કેસ છે. સાથે જ લગભગ 900 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સતત વધી રહેલા કોરોનાના મામલાથી એક્ટિવ કેસોની સંખ્યા પણ વધી ગઈ છે. હાલમાં દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 13 લાખને પાર કરી ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 1.80 લાખથી વધુ લોકો કોરોના સંક્રમણથી પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. દેશમાં એવી સ્થિતિ છે કે દરરોજ એટલા બધા લોકોના કોરોનાથી મોત થઈ રહ્યા છે કે, દેશમાં ઘણી જગ્યાએ સ્મશાનો નાના પડવા લાગ્યા છે અને ખુલ્લી જગ્યામાં મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા પડી રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો