કોરોના ઇફેક્ટ : ગાંધીનગર મહામગરપાલિકાની ચૂંટણી મોકૂફ: ચૂંટણી પંચનો નિર્ણય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-04-2021

રાજ્યમાં કોરોના વાયરસ બેફામ બન્યો છે. અત્યારે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ભયાવહ છે. દરરોજ રેકોર્ડ નવા કેસ આવી રહ્યા છે. હોસ્પિટલમાં જગ્યા નથી, ઓક્સિજન નથી અને ઇંજેક્શન પણ નથી. ત્યારે આ બધા વચ્ચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને મહત્વનો નિર્ણય આવ્યો છે.

રાજ્યમાં કોરોના વાયરસનો વ્યાપ વધતા અને ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્યના ચૂંટણી પંચે ગાંધીનગર મનપાની ચૂંટણીને મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગાંધીનગર મનપાની ચૂંટણીને મોકૂફ રાખવા માટેની અપીલ કરતો પત્ર લખ્યો હતો. આ સિવાય કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ આ ચૂંટણી રદ્દ કરવા માટે અપીલ કરવામાં આવી હતી.

આ ચૂંટણી માટે હવે ચૂંટણી પંચ દ્વારા નવી તારીખો જાહેર કરવામાં આવશે. ત્યારે હવે એક સવાલ એ પણ ઉભો થયો છે કે મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણી પણ મોકૂફ રહશે કે કેમ? ઉલ્લેખનીય છે કે એકતરફ રાજ્યમાં કોરોના બેકાબૂ હોય અને બીજી તરફ ગાંધીનગરમાં રાજકિય પક્ષો દ્વારા રેલીઓ અને સભાઓ યોજાઇ રહી હતા, જેથી લોકો સવાલો ઉઠાવતા હતા. જેથી હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો