રાત્રી કર્ફયુથી કોઈ ફરક નહિ પડે, ગુજરાતમાં 4 થી 5 દિવસનું લોકડાઉન જરૂરી : AMA ના પૂર્વ પ્રમુખનું નિવેદન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-04-2021

ગુજરાતમાં વધતાં કોરોના હાહાકાર વચ્ચે હાઈકોર્ટે ગુજરાત સરકારને કોરોના મહામારીની હાલની પરિસ્થિતિને લઈને સૂચન કર્યા બાદ હવે લોકડાઉનની માંગ પ્રબળ બની રહી છે. ગુજરાત હાઈકોર્ટે ગુજરાતમાં આગામી 3થી 4 દિવસ લોકડાઉન કરવાનું અવલોકન કર્યું હતું. હવે આજ સ્થિતિમાં AMAના પૂર્વ પ્રમુખ જરદોષનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. તેમણે આજે જણાવ્યું છે કે ગુજરાતમાં 4થી 5 દિવસનું લોકડાઉનની જરૂર છે. રાત્રિ કરફ્યૂથી હાલની સ્થિતિમાં કોઈ કર્ફ પડ્યો પણ નથી અને પડશે પણ નહીં. કોરોના વાયરસનો નવો સ્ટેઈન ખુબ ઘાતક છે જેથી હાલના નવા સ્ટેઈનની ચેઈન તોડવી ખુબ જ આવશ્યક છે. જેથી કોરોનાની ચેન તોડવા માટે ગુજરાત સહિત દેશ પાસે લોકડાનનો જ એકમાત્ર ઉપાય છે.

AMAના પૂર્વ પ્રમુખ જરદોષે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં 41 હજાર કેસ નોંધાયા હતા. પરંતુ હાલમાં માત્ર 6 દિવસમાં રેકોર્ડબ્રેક 17 હજાર નવા કેસ નોંધાયા છે. રાજ્યની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કોવિડ બેડ ભરાઈ ગયા છે.

અત્રે નોંધનીય છે કે મંગળવારે ગુજરાત હાઈકોર્ટે અવલોકન કરતા જણાવ્યું છે કે હાલની પરિસ્થિતિએ ગુજરાતમાં લોકડાઉનની જરૂર છે. એટલું જ નહીં, રાજ્યમાં જાહેર કાર્યક્રમો પર અંકુશ લાવવા કોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી. આ સિવાય રાજ્ય સરકારને કડક કાર્યવાહી કરીને કોરોનાને અટકાવવા જરૂરી પગલાં લેવા પણ નિર્દેશ કરાયો છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠનો સરકારને નિર્દેશ કર્યો હતો. જસ્ટિસે કહ્યું, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને વીકએન્ડ કર્ફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી હતી.

અત્રે નોંધનીય છે કે, ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી કોરોના સંક્રમણ અટકાવવા માટે આંશિક લોકડાઉન કરવામાં આવે એવી અપીલ કરી છે. ત્યારે ગુજરાત સરકારે પણ આ બાબતે ગંભીરતાથી વિચારણા શરૂ કરી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે પણ સરકારને લોકડાઉન કરવા માટે જણાવી દેવાયું છે. ગુજરાતના અનેક જિલ્લાઓ અને તાલુકાના ગામડાંઓ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળી ગયા છે, ધડાધડ એક પછી એક જગ્યાએ લોકડાઉન આપવામાં આવી રહ્યું છે. ગુજરાતના મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂને કારણે ઉધોગ ધંધા અને નોકરીયાતોને મોટી અસર પહોંચી છે. ત્યારે ખુદ વેપારી એસોસિએશન પણ માની રહ્યા છે કે રાજ્યમાં વીકેન્ડ પર લોકડાઉન કરવું જોઈએ.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો