રાજકોટમાં મોરબી જેવો વધુ એક કિસ્સો બન્યો, દર્દીને વેન્ટિલેટરની જરૂર હતી, ન આપ્યું અને મોત !!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-04-2021

કોરોના સામેની લડતના મસમોટા દાવાનો ભાંડો ફૂટી ગયો : હૃદયદ્રાવક કિસ્સો : સાંજે તબિયત લથડતા સિવિલમાં માંડ જગ્યા મળી પણ ઓકિસજન કે વેન્ટીલેટર બેડ ન મળતા 72 વર્ષીય વૃઘ્ધે દમ તોડયો : પરિવારજનોના ચોંકાવનારા આક્ષેપો

કોરોનાની મહામારીની હાલ બીજી લહેરમાં ગુજરાતમાં સંક્રમણ બમણી ગતિથી વધી રહ્યું છે. સ્થિતિ વણસી રહી છે. ખાનગી હોસ્પિટલો હોય કે સરકારી, દર્દીઓથી હોસ્પિટલોના વોર્ડ ઉભરાઇ રહ્યા છે. જો કે આવી કપરી સ્થિતિ હોવા છતાં સરકાર દાવો કરે છે કે કોવિડ દર્દી માટે પુરતા બેડ હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે. જો કે રાજકોટ સિવિલ ખાતે એક કોવિડ દર્દીના પરિવારજનોએ કરેલા આક્ષેપો બાદ સરકારના દાવા સામે સવાલો ઉઠે છે.

વિસ્તૃત વિગત મુજબ રાજકોટમાં હાલ દિનપ્રતિદિન કેસો વધી રહ્યા છે. દરરોજ જિલ્લામાં 300 જેટલા નવા કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે. ત્યારે કોવિડ હોસ્પિટલો ફુલ થવા લાગી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના સારવાર દરમ્યાન એક દર્દીનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવી દીધો હતો. જેના પગલે સીકયુરીટી સ્ટાફ પણ દોડી ગયો હતો.

મનસુખભાઇ ચુનીલાલ ચંદારાણા (ઉ.વ.72, રહે.આજીડેમ ચોકડી પાસે) નામના દર્દીના પુત્ર અનિલભાઇએ હોસ્પિટલ તંત્રની પોલ ખોલતા આક્ષેપો સાથે જણાવ્યું હતું કે ગઇકાલે તેમના પિતા મનસુખભાઇની તબિયત નાદુરસ્ત જણાતા સિવિલ હોસ્પિટલ ખાતે આવી તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. આશરે નવેક વાગ્યે રીપોર્ટ પોઝીટીવ હોવાનું સિવિલ હોસ્પિટલ તરફથી જણાવાયુ હતું. તેમજ હોસ્પિટલના સ્ટાફે કહ્યું કે હાલ કોવિડ વોર્ડમાં બેડ ખાલી ન હોવાથી દર્દીને દાખલ કરવાની જગ્યા નથી જેથી દર્દીને ઘરે લઇ જઇ હોમ કવોરન્ટાઇન કરી દેજો. જો કે મનસુખભાઇના પરિવારે હોસ્પિટલ સ્ટાફને રજુઆત કરી કે દર્દીની તબિયત નાદુરસ્ત છે અને ઉમર પણ મોટી છે જેથી તેમને દાખલ કરી સારવાર ચાલુ કરવામાં આવે. પરિવારજનોની રજુઆત બાદ પણ હોસ્પિટલ સ્ટાફે મનસુખભાઇને દાખલ ન કરતા, પરિવારજનો મનસુખભાઇને આજીડેમ ચોકડી પાસે આવેલા તેમના ઘરે લઇ ગયા હતા. જયાં સાંજે ચારેક વાગ્યે અચાનક મનસુખભાઇની તબિયત ખૂબ જ ખરાબ થઇ જતાં 108 એમ્બ્યુલન્સ મારફત તત્કાલ તેઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમનું ઓકિસજન લેવલ ચેક કરવામાં આવતા 80 થી 8પ લેવલ બતાવતું હોવાનું તબીબોએ જણાવ્યું હતું. જેથી તેમને તત્કાલ ઓકિસજન આપવાની જરૂર જણાઇ હતી.

પરિવારજનોના આક્ષેપ મુજબ દર્દીની સ્થિતિ નાજુક હોવા છતાં તેમને ઓકિસજન કે વેન્ટીલેટર સ્પોર્ટ અપાયો નહોતો અમે વિડીયો કોલથી વાત કરવાનું કહેતા છેક સાતેક વાગ્યે વિડીયો કોલ કર્યોએ પણ થોડી જ વારમાં કટ કરી નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ થોડીવારમાં જ હોસ્પિટલના નંબર પરથી કોલ આવ્યો કે તમારા પિતાની તબિયત ગંભીર છે. આ ફોનની પાંચ મિનિટ બાદ જ અનિલભાઇને બીજો ફોન આવ્યો કે તેમના પિતાનું મોત થઇ ચુકયુ છે. દર્દીના મોતની ખબર સાંભળ્યા બાદ પરિવારજનોમાં રોષ ફેલાયો હતો અને સિવિલ હોસ્પિટલમાં તેમના દર્દીને કોઇ સારવાર અપાઇ ન હોવાનો તેમજ બેદરકારી રાખી હોવાનો આક્ષેપ કર્યો હતો.

પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ જગ્યા નહોતી: મૃતક મનસુખભાઇ ચંદારાણાના પુત્ર અનિલભાઇને જણાવ્યું હતું કે મારા પિતાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ જો ખાનગી હોસ્પિટલમાં તપાસ કરી હતી જો કે ત્યાં પણ બેડ ખાલી ન હોવાની જાણકારી મળતા નાછુટકે મારા પિતાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયા બાદ અનિલભાઇએ રોષ પૂર્વક જણાવ્યું હતું કે મને સિવિલ હોસ્પિટલની સારવાર પર ભરોસો નહોતો. પણ ના છુટકે તેમને અહીં દાખલ કરવા પડયા અને મે મારા પિતા ગુમાવ્યા. મનસુખભાઇ અગરબતીનો વેપાર કરતા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

મોટાભાગના દર્દીને હોમ કવોરન્ટાઇન કરવામાં આવે છે, આરોગ્ય શાખા ઘરે સારવાર કરવા ન જતી હોવાનો આક્ષેપ: રાજકોટ સિવિલ હાલ કોરોના દર્દીઓથી ઉભરાઇ ચુકી છે. પોઝીટીવ આવતા નવા દર્દીઓને હોમ કવોરન્ટાઇન કરવાનો જ આગ્રહ રાખવામાં આવે છે. દર્દીના સગા-સંબંધીઓના કહેવા બાદ પણ દર્દીઓને દાખલ કરવામાં આવતા નથી. રેલનગરના હંસરાજનગરમાં રહેતા હિનાબેન મનિષભાઇ વિઠ્ઠલાપરા (ઉ.વ.4પ)ના પતિ મનિષભાઇએ જણાવ્યું હતું કે મારા પત્નીને તા.4ના રોજ કોરોના પોઝીટીવ આવેલો. ડોકટરના કહેવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવાના બદલે હોમ કવોરન્ટાઇન કરાયા બે દિવસ હોમ કવોરન્ટાઇન સમયે કોઇ જ આરોગ્ય કર્મી તેની તપાસ કરવા ન આવતા મે રાજકોટ મનપાની આરોગ્ય શાખામાં ફોન કરતા મને જવાબ મળ્યો કે અમે મોટી ઉમરના દર્દીઓની જ ઘરે વિઝીટ લઇએ છીએ. જેથી મેં 104માં કોલ કર્યો તો તેમાંથી કહેવાયું કે તબિયત સારી ન હોય તો હોસ્પિટલમાં દાખલ થઇ જાવ. તા.6ના રોજ બપોરે પછી મારા પત્નીને શ્ર્વાસ લેવામાં તકલીફ થતા સિવિલ હોસ્પિટલે લઇ આવ્યો હતો. જયાં તેમને સાંજે 4 વાગ્યે દાખલ કર્યા હશે. ત્યારથી સાંજના 7 વાગ્યા સુધી તેમને ઓકિસજન આપવામાં આવ્યો ન હતો. બાદમાં એક દર્દીનું મોત થતા હોબાળો મચતા પત્રકાર-મીડિયાના કર્મી આવી જતા દર્દીને ઓકસીજન આપવાનું શરૂ કર્યુ હતું.

મોરબીમાં પણ સદભાવના હોસ્પિટલના ડોક્ટરોએ મીડિયાકર્મીના માતુશ્રીને વેન્ટિલેટરની જરૂર હતી અને વગર વેન્ટિલેટરે ભ્રષ્ટાચારથી કલેક્ટર પાસે લાયસન્સ કઢાવીને ચાલતી આ હોસ્પિટલે વેન્ટિલેટર જિંદગી અને મોતના અણીના સમયે વેન્ટિલેટર ન હોવાની વાત કરી દર્દીનો જીવ લીધો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો