ગુજરાતમાં સખ્ત લોકડાઉન ન કરવા પાછળના શું છે કારણો? જાણો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-04-2021

ગુજરાતમાં કોરોનાની બેકાબૂ બનેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે 20 શહેરોમાં 30 એપ્રિલ સુધી રાતના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો નાઈટ કર્ફ્યુ લાદ્યો છે. જો કે આ નિર્ણય પહેલા લોકડાઉનની જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી હતી. પાનના ગલ્લાઓથી લઈ ગલીઓ સુધી એક જ ચર્ચા ચાલી હતી કે લોકડાઉન થશે કે નહીં? પરંતુ રાજ્ય સરકાર લોકડાઉન કરવાની સ્થિતિમાં જ નહોતી. જેને કારણે માત્ર નાઈટ કર્ફ્યૂથી જ લાગુ કરવામાં આવ્યો છે. લોકડાઉન ન કરવા પાછળ ઘણાં કારણો જવાબદાર છે.

જો કોરોનાને કાબૂમાં લેવા લોકડાઉન કરવામાં આવે તો રસીકરણ, ટેસ્ટિંગ અને ટ્રેસિંગ પર તેની ગંભીર અસર થઈ શકે અને ઉલટાનું સંક્રમણ વધી શકે. આ ઉપરાંત પરપ્રાંતીયોનું પલાયન, આર્થિક ગતિવિધિઓ અને ગરીબ-નિરાધાર તેમજ ટંકનું કમાઈને ટંકનું ખાતા લોકોના જીવન નિર્વાહ ચલાવવાનો મોટો પડકાર ઉભો થઈ શકે તેમ હતો. જેને પગલે સરકારે લોકડાઉન કરવાનો વિચાર જ માંડી વાળ્યો હતો.

પરપ્રાંતીયો પલાયન કરે તો ઉદ્યોગો પડી ભાંગે: આ સિવાય લોકડાઉનને કારણે પરપ્રાંતીયોનું પલાયન પણ સૌથી મોટો મુદ્દો બની શકે તેમ હતો. ગત વર્ષે થયેલા લોકડાઉનને કારણે સૌથી ખરાબ હાલત પરપ્રાંતીય શ્રમિકોની થઈ હતી. જો ફરી લોકડાઉન થાય તો એમની દૈનિક આવકનું શું?. તેમજ પરપ્રાંતીયો પલાયન કરવા લાગે તો રાજ્યના ઉદ્યોગો મુશ્કેલીમાં આવી શકે તેમ હતા. તેમજ પલાયનને કારણે સંક્રમણ પણ વધુ વકરી શકે તેમ હતું. ખાસ કરીને માંડ માંડ ઉભું થયેલું રિયલ એસ્ટેટ ક્ષેત્ર પણ ઠપ થઈ જાય. લોકડાઉનથી ગ્રાહકોની માંગમાં ઘટાડો થાય અને ઉત્પાદન ક્ષેત્ર પર પણ માઠી અસર પડી શકે તેમ હતી.

ગરીબ અને નિરાધારને ખવડાવવું શું?: ગત વર્ષની જેમ લોકડાઉનને કારણે ગરીબ અને નિરાધાર લોકોને શું ખવડાવવું તે પણ સરકાર સામે સૌથી મોટો પડકાર બની શકે તેમ હતો. ગરીબોના પેટનો ખાડો પુરવા માટે ફરી અનાજ અને ફૂડ પેકેટ વિતરણનું મોટા પાયે અભિયાન ચલાવવું પડે. જેના માટે રાજ્ય સરકારને આર્થિક સહિતના સંસાધનોની જરૂર પડી શકે તેમ હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો