ડોક્ટરોની બેદરકારીએ વધુ એક મહિલાનો ભોગ લીધો, કોરોનાની સારવારમાં વિલંબ કરતા મહિલાનું મોત થયાનો ગંભીર આક્ષેપ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-04-2021

સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોના વાયરસનું સતત સંક્રમણ વધ્યું છે અને બીજી બાજુ કોરોનાથી લોકોના મોત પણ થઈ રહ્યાં છે ત્યારે શહેરના મહિલા દર્દીને કોરોના પોઝીટીવ આવ્યાં બાદ સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવારમાં વિલંબ થતાં કોરોના પોઝીટીવ દર્દીનું મોત નીપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કરી હોસ્પીટલ ખાતે વિરોધ કર્યો હતો.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના રતનપર વિસ્તારમાં રહેતાં એક ૭૫ વર્ષના આધેડ મહિલાને કોરોના પોઝીટીવ આવતાં સારવાર અર્થે શહેરની મુખ્ય સરકારી ગાંધી હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવ્યાં હતાં પરંતુ મહિલાની સારવાર દરમ્યાન વધુ તબીયત લથડતાં શહેરના દુધરેજ રોડ પર આવેલ સી.યુ.શાહ મેડીકલ કોલેજ (ટી.બી.હોસ્પીટલ) ખાતે લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર મળે તે પહેલા જ મહિલાનું મોત નીપજ્યું હતું. જે મામલે મૃતકના પરિવારજનોએ ડોક્ટર તેમજ સ્ટાફની બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો અને સારવારમાં વિલંબ થતાં મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું અને તંત્રની બેદરકારી સામે નારાજગી જોવા મળી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો