કોરોનાનો કહેરઃ ગુજરાતમાં શાળાઓને લઇને રુપાણી સરકારનો મહત્વનો નિર્ણય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-04-2021

ગુજરાતમાં વધી રહેલા કોરોના સંક્રમણના નવા કેસોને અંકુશમાં લેવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આ સંદર્ભે આજે મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના તમામ સરકારી અને ખાનગી શાળામાં અભ્યાસ કરતાં એકથી નવ ધોરણના વિદ્યાર્થીઓને લઇને એક મહત્વનો નિર્ણય લેવાયો છે.

કોર કમિટીના આ નિર્ણય મુજબ રાજ્યમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં સોમવાર, તારીખ પાંચ એપ્રિલથી તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં 1થી9 ધોરણનું શિક્ષણ કાર્ય બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. અહીં ખાસ મુદ્દો એ છે કે આગામી આદેશ સુધી આ ધોરણો માટે શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવશે.

કોર કમિટીએ લીધેલા નિર્ણયનો રાજ્યમાં તમામ સરકારી અને ખાની શાળાઓએ અમલ કરવાનો રહેશે: ગુજરાતમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓના 1થી9 ધોરણના હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને લગતાં આ મહત્વના નિર્ણય અંગે સરકારનું કહેવુ છે કે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અત્યંત ગંભીર બની ચૂકી છે. માત્ર ગુજરાત અને મહારાષ્ટ્ર જ નહીં પરંતુ દેશના અનેક રાજ્યોમાં સંક્રમણના નવા કેસ વધી રહ્યા છે. આવી ગંભીર સ્થિતિમાં રાજ્યના વિદ્યાર્થીઓ હિત અને સ્વાસ્થને લઇને તથા કોરોનાના વધતા પ્રકોપ પર અંકુશ મેળવવા અર્થે આ નિર્ણય લેવાયો છે. ગુજરાત સરકારના જણાવ્યા મુજબ રાજ્યમાં બાળકોમાં પણ કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. જેને લીધે શાળાકાર્ય બંધ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે.

નોંધનીય છે બરોડા બાદ અમદાવાદમાં પણ બાળકોમાં કોરોના સંક્રમણના કેસ જોવા મળ્યા છે. આખા રાજ્યમાં આ પ્રકારની સ્થિતિ ઉદભવતા રાજ્ય સરકારે શાળાકાર્ય આગામી આદેશ સુધી બંધ રાખવાના આદેશ જાહેર કરી દીધા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો