રાજ્યભરમાં આસ્થાપૂર્વક કરાયું હોલિકા દહન, કોરોનાના નાશ માટે કરાઈ પ્રાર્થના

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-03-2021

કોરોનાની આ મહામારી ગત વર્ષે માર્ચ મહિનામાં શરૂ થઈ હતી અને આજે એક વર્ષ પછી પણ કેસોમાં સતત વધારો થતા હોલિકા દહન દરમિયાન ઠેર-ઠેર કોરોનાના નાશ માટેની પ્રાર્થના કરવામાં આવી હતી.

મોરબી સહીત રાજ્યભરમાં ઠેર ઠેર આજે આસ્થાપૂર્વક હોલિકા દહન કરાયું હતું, આ હોલિકા દહન દરમિયાન લોકો સીમિત સંખ્યામાં જોવા મળ્યા હતા તો સાથે માસ્ક પહેરીને કોરોના ગાઈડલાઇનનું પાલન કરી માર્યાદિત સંખ્યામાં હોલિકા દહન કરાયું હતું.

આવતીકાલે ધૂળેટીનો તહેવાર છે શહેરોમાં ધૂળેટીના દિવસે જાહેરમાં ઉજવણી અને સામુહિક કાર્યક્રમ પર પ્રતિબંધ રહેશે. ધૂળેટીના તહેવારમાં કોઈપણ વ્યક્તિએ જાહેર જગ્યાએ આવતા-જતા રાહદારીઓ ઉપર અથવા મકાનો કે મિલકતો, વાહનો ઉપર અથવા વાહનો પર મુસાફરી કરતા વ્યક્તિઓ પર કાદવ, રંગ અથવા રંગ મિશ્રિત પાણી જેવી વસ્તુઓ નાખવી નહીં. અને ધૂળેટીના દિવસે પૈસા ઉઘરાવવા નહીં અથવા બીજા કોઈ ઈરાદાથી જાહેર રસ્તા ઉપર આવતા-જતા રાહદારીઓ અથવા વાહનોને રોકી શકાશે નહીં. સાથે-સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ ધૂળેટીની ઉજવણીને લઇને ખાસ આદેશ જાહેર કર્યા છે. હોળી-ધુળેટી એમ બે દિવસની ગાઇડલાઇન હેઠળ શહેરના તમામ ક્લબો, સ્વિમીંગ પુલો, પાર્ટી પ્લોટો એવા તમામ સ્થળોને બંધ રાખવાના રહેશે જ્યાં સામાન્ય પરિસ્થિતિઓમાં ધુળેટીની ઉજવણી કરાતી હતી. આ સિવાય શહેરના મંદિરોમાં પણ હોળી નિમિત્તે રંગ લગાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

અહીં સુધી કે સોસાયટી, પોળ જેવા વિસ્તારોમાં લોકોના ટોળા હોળીની ઉજવણી માટે ભેગા થયા તો જે-જે સોસાયટી, પોળ, વિસ્તારનું પાણી કનેક્શન એએમસી કાપી જશે અને આ મુદ્દે લોકો પર નજર રાખવા માટે એએમસી 200 લોકોની ટીમ શહેરમાં ઉતારશે. હોળી રમ્યા કે તરત જ દંડપેટે ઘરનું કે સોસાયટીનું પાણી કનેક્શન ગયું. એએમસીનું કહેવુ હતું કે વર્તમાન સ્થિતિને જોતાં શહેરીજનોએ કોરોના ગાઇડલાઇનું પાલન કરવું વધારે જરુરી છે. હોળી જેવા તહેવારની ઉજવણી માટે ભેગા થવાથી કોરોના સંક્રમણ વધારે ફેલાવાની સંભાવના વધી જાય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો