ગુજરાતમાં RT-PCRના ઓછા ટેસ્ટથી કેન્દ્રનો સખત નિર્દેશ

માંડ 40-50% જ ટેસ્ટ થતાં કેન્દ્રનો આદેશ: 70% તો થવા જ જોઈએ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-03-2021

ગુજરાતમાં કોવિડ-19 વાઈરસના ચેપની સ્થિતિ ચકાસવા માંડ 40થી 50 ટકા જ છઝ- ટેસ્ટ થઈ રહ્યા છે. કોરોના માટે એન્ટીજન ટેસ્ટ સંપૂર્ણ અક્સીર નથી. લક્ષણો હોય છતાંયે ઘણા ખરા કિસ્સામાં એન્ટીજન ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવી શકે છે. આથી, ભારત સરકારના ગૃહ સચિવ અજય ભલ્લાએ ગુજરાત સરકારને પત્ર લખીને ઓછામાં ઓછા 70 ટકા ટેસ્ટ કરવા સુચના આપી છે.

આરોગ્ય વિભાગના અગ્રસચિવ જંયતિ રવિ દ્વારા કોવિડ-19 મહામારી સંદર્ભે જાહેર થતી દૈનિક અખબારી યાદીમાં હવે રોજેરોજ કોરોનાના કેટલા ટેસ્ટ થાય છે તેની માહિતી જાહેર કરવાનું બંધ કરી દેવાયુ છે. ભારત સરકારના ગૃહ વિભાગની સૂચના બાદ આરોગ્ય વિભાગમાં તપાસ કરતા અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ જેવા મહાનગરો, નાના શહેરો તેમજ આંતરાજ્ય ચેકપોસ્ટ ઉપર તંબુઓ લગાવીને થતા થતા એન્ટીજન ટેસ્ટનો પૂરેપૂરો ડેટા ભારત સરકારના પોર્ટલમાં પણ અપલોડ ન થતો હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં, નાગરીકો માટે વેબસાઈટ ઉપર ઉપલબ્ધ આરોગ્ય વિભાગના ગુજરાત કોવિડ19 પોર્ટલ ઉપર

અત્યાર સુધીમાં 1 કરોડ 28 લાખ 49 હજાર 797 ટેસ્ટ થયાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે, નાગરિકોના ટેક્સમાંથી થતા ટેસ્ટના ખર્ચમાં એન્ટીજન ટેસ્ટનું પ્રમાણ કેટલુ છે તેનો કોઈ જ હિસાબ રજુ કરવામાં આવ્યો નથી. આથી, ગુજરાતમાં ટેસ્ટનું પ્રમાણ અત્યંત નીચુ હોવાની શંકાને પ્રબળ સર્મથન મળ્યુ છે.

ટેસ્ટિંગમાં ધુપ્પલ સંદર્ભે ટોચના અધિકારીએ કહ્યુ કે, ગત વર્ષે એઈમ્સના ડો. રણદીપ ગુલેરિયા અમદાવાદ આવ્યા ત્યારે તેમણે લક્ષણો છતાં એન્ટીજન ટેસ્ટ નેગેટિવ હોય ત્યારે ફરજિયાત RT-PCR ટેસ્ટ કરવા કહ્યુ હતુ. અમે તે સુચનાને વળગી રહ્યા છીએ. આથી, કોઈ ચેપગ્રસ્ત છે કે કેમ ? તે જાણીને સારવારમાં કોઈ તકલીફ પડતી નથી. બાકી જ્યાં સુધી બે પ્રકારના ટેસ્ટના ડેટાની વાત છે તે મ્યુ. કોર્પોરેશન, પાલિકા- પંચાયત અને જિલ્લા તંત્ર સીધા જ પોર્ટલમાં અપલોડ કરે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો