રાજ્યમાં હોળી-ધૂળેટીના તહેવાર સંદર્ભે ગૃહ વિભાગની માર્ગદર્શિકા જાહેર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-03-2021

રાજ્યમાં કોરોના સંક્રમણ (Gujarat coronavirus cases) દિવસેને દિવસે વધી રહ્યું છે. સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં 28મી અને 29મી માર્ચ હોળી (Holi 2021) અને ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે. આ બંને તહેવારનોની ઉજવણી સંદર્ભે રાજ્યના ગૃહ (Home ministry) વિભાગ તરફથી માર્ગદર્શિકા (Corona guideline) જાહેર કરવામાં આવી છે. સામાન્ય સંજોગોમાં હોળી-ધૂળેટીના તહેવારોની ઉજવણી માટે લોકો સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો તથા રસ્તાઓ પર મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે. જોકે, હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી હોવાથી જો મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તો કોરોના સંક્રમણ વધવાની શકયતા રહેલી છે. આથી જ સરકારે હોળી ધૂળેટીની ઉજવણી માટે ચોક્કસ નીતિ જાહેર કરી છે.

રાજ્યના ગૃહ વિભાગની માર્ગદર્શિકા પ્રમાણે રાજ્યમાં હાલમાં પ્રવર્તમાન Covid-19ની પરિસ્થિતિને ધ્યાને લેતાં હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે. તેમજ હોળીની પ્રદક્ષિણાની સાથે સાથે ધાર્મિક વિધિ પણ કરી શકાશે. જોકે, હોળી દહનના કાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત ન થાય તથા કોરોના સંબંધમાં પ્રવર્તમાન ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે.

માર્ગદર્શિકામાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ધૂળેટીના દિવસે જાહેરમાં ઉજવણી અને સામૂહિક કાર્યક્રમને મંજૂરી મળશે નહી. આ તમામ સૂચનાઓના ચુસ્તપણે અમલીકરણ માટે તમામ પોલીસ કમિશનરો, તમામ જિલ્લા મેજીસ્ટ્રેટો, તમામ પોલીસ રેન્જના વડાઓ, તમામ પોલીસ અધિક્ષકોને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. જો ક્યાંક ઉપરના નિયમોનું ભંગ થતું જણાશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહેલા જ હોળી-ધૂળેટી અંગે નિવેદન આપી ચૂક્યા છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ: રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે મંગળવારે સાંજે જાહેર કરેલા આકંડા પ્રમાણે રાજ્યમાં કુલ 1730 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે તેની સામે કુલ 1255 વ્યક્તિ સાજા થયા છે. ચૂંટણીઓ સમાપ્ત થતાની સાથે જ રાજ્યમાં કોરોનાનો બીજો વેવ શરૂ થયો છે. મંગળવારે સુરતમાં રેકોર્ડબ્રેક 577, અમદાવાદમાં 509, વડોદરામાં 162, રાજકોટમાં 140, ભરૂચમાં 15, મહેસાણામાં 16, જામનગરમાં 36, ખેડામાં 24, પંચમહાલમાં 7, ભાવનગરમાં 31, ગાંધીનગરમાં 36, કચ્છમાં 19, આણંદમાં 15, દાહોદમાં 14, નર્મદામાં 13, સાબરકાંઠામાં 14, છોટાઉદેપુરમાં 4, અમરેલીમાં 11, જૂનાગઢમાં 8, મહીસાગર 9, મોરબીમાં 10, અરવલ્લી 3, બનાસકાંઠા 9, ગીરસોમનાથમાં 2, વલસાડ 7, પાટણ 15, સુરેન્દ્રનગર 7, તાપી 6, બોટાદ 2, ડાંગ 0, દેવભૂમિ દ્વારકા 5, પોરબંદરમાં 1 કેસ નોંધાયા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો