બેન્ક કાચી પડે તો 5 લાખ સુધીની રકમ 90 દિવસમાં મળશે પરત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-03-2021

કોઈ બેન્ક હવે નાદારી નોંધાવે કે દેવાળું કાઢે તો તેનાં થાપણદારોને પોતાની રકમ પરત મેળવવા માટે હવે પરેશાનીમાંથી છૂટકારો મળશે. અત્યાર સુધી ખાતાધારકોને 1 લાખ રૂપિયા સુધીની જમા રકમ પરત મળવાની ખાતરી મળતી હતી જેને હવે પાંચ લાખ રૂપિયા કરવાં માટે તૈયારીઓ થઈ ગઈ છે.

છેલ્લા કેટલાંક વર્ષ દરમિયાન જે રીતે ખાનગી બેન્કો કાચી પડી અને તેનાં ખાતેદારો ઉપર નાણા ઉપાડની જે પ્રકારે પાબંદીઓ મૂકાઈ તેને ધ્યાને લેતા બેન્ક ડૂબશે કે દેવાળું ફૂંકશે તો તેમાં જમા કરાવેલી મરણમૂડીનું શું થશે તેવો સવાલ આમઆદમીને થવો સ્વાભાવિક છે. જો કે હવે આવી કોઈ અનિચ્છનીય ઘટના બને, બેન્ક નાદારી નોંધાવે તો પાંચ લાખ રૂપિયા સુધીની રકમ પરત મેળવવા માટે થાપણદારોને પરેશાનીનો સામનો કરવો નહીં પડે. મોદી સરકારે ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન (ડીઆઈસીજીસી) કાયદામાં સુધારો કરવાં માટે પૂરી તૈયારી કરી લીધી છે.

ડીઆઈસીજીસી રિઝર્વ બેન્કની એક સંસ્થા છે જે ખાતામાં જમા રકમ ઉપર ગેરેન્ટી આપે છે. આ સંસ્થા બચતા, ચાલુ, રિકરિંગ સહિતનાં ખાતાઓ ઉપર વીમા સુરક્ષા આપે છે. વર્ષ 2021નાં બજેટ પહેલા બેન્કમાં જમા રકમ ઉપર એક લાખ રૂપિયા સુધીની બાંયધરી મળતી હતી પણ હવે તેને પાંચ ગણી વધારીને પાંચ લાખ રૂપિયા કરી નાખવામાં આવી છે. ડીઆઈસીજીસી એક્ટમાં સુધારો થતાં પાંચ લાખ રૂપિયા સુધીની રકમ ખાતાધારકને માત્ર 90 દિવસમાં જ પરત મળી જશે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો