સ્કૂલોની અગાસી ઉપરના જોખમી ડોમ હટાવવાનો પ્રારંભ

ફાયર એનઓસી ન મળતાં શાળા સંચાલકોએ હથિયાર હેઠા મૂક્યા

એક્ઝીટ ગેઈટ માટે અગાસી ખૂલ્લી રાખવાના નિયમનું પાલન ચુસ્તપણે કરાવવાનો હાઈકોર્ટે આદેશ કર્યા બાદ ‘બધા આવી ગયા લાઈનમાં’

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-03-2021

શાળા-કોલેજોની બહુમાળી ઈમારતની અગાસી ઉપર બનાવવામાં આવેલા પ્લાસ્ટિકના ગેરકાયદેસર ડોમ સ્વમેળે હટાવવાની તૈયારી શાળા સંચાલકોએ દર્શાવી છે. ત્યારે વર્ષોથી સ્કૂલનું બાંધકામ થઈ ગયેલ હોય અગાસી ખૂલ્લી રાખવાનો નિયમ હોવા છતાં ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા આજ સુધી કોઈ જાતનું ચેકીંગ કરવામાં આવ્યું નથી. જ્યારે અગાસી ઉપર વધુ માળ અથવા ડોમ બનાવવાની મંજૂરી એકપણ શાળા સંચાલકોએ ટીપી વિભાગ પાસેથી લીધી નથી. નજરે લોકો જોઈ શકે તે રીતે અનેક શાળાઓએ ગેરકાયદેસર ડોમ બનાવી લીધા છે. જે ટાઉનપ્લાનિંગ વિભાગને દેખાયા નથી અથવા હપ્તાના ભાર નીચે આંખો બંધ કરી દીધી હોય તેવી પણ ચર્ચા ઉઠી છે. આમ, આજે હજારો બાળકોની જિંદગી જોખમાય તે રીતે તૈયાર થયેલા પ્લાસ્ટિકના ગેરકાયદેસર ડોમ પાછળ ફક્ત અને ફક્ત મનપાનું ટીપી વિભાગ જવાબદાર હોવાનું ચર્ચાય રહ્યું છે.

પાછા નહીં બને તેની ખાતરી શું: ખાનગી શાળાની ઈમારતો ઉપર પ્લાસ્ટિકના ડોમ બનાવી વર્ષોથી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે. જે સૌ કોઈ અને મનપાનું ટાઉનપ્લાનિંગ વિભાગ પણ જાણે છે. નાના માણસોને પતરા હટાવી એક ઓરડી ઉપર છત ભરવાની હોય તો પણ કોર્પોરેશનના ધક્કા ખાવા પડે છે. અથવા જાતે બનાવેલ છત ટીપી વિભાગના કર્મચારીઓ તોડી નાંખતા હોય છે. જ્યારે વધુ ઉહાપોહ થાય તે વખતે ટીપી વિભાગની ટીમ ડોમ હટાવવા નિકળી પડે છે અને એક બે જગ્યાએ ડોમ હટાવ્યાના ફોટા ન્યૂઝ પેપરમાં પ્રસિધ્ધ કરાવી કામગીરીનો સંતોષ માને છે. જ્યારે બીજી તરફ શાળા સંચાલકો પણ બધુ જાણતા હોય ફરી વખત એ જ સ્થળ ઉપર પ્લાસ્ટિકના ડોમ ઉભા થઈ જાય છ.ે આથી હાઈકોર્ટના આદેશ બાદ ડોમ હટાવવાની કામગીરી તો ચાલુ થઈ છે. પરંતુ, ભવિષ્યમાં ફરી પાછા જોખમી ડોમ ઉભા નહીં થાય તેની જવાબદારી કોણ લેશે? તેમ પણ ચર્ચાય રહ્યું છે.

રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની દૂર્ઘટના સર્જાયા બાદ મનપાના ફાયર વિભાગ દ્વારા તમામ હોસ્પિટલો, શાળાઓ-કોલેજો, હોસ્ટેલો, રેસ્ટોરન્ટ સહિતના સ્થળોએ ચેકીંગ હાથ ધરી ફાયર સેફ્ટીના સાધનો વસાવી લેવાની સૂચના આપી ફાયર એનઓસી તુરંત મેળવી લેવાના આદેશ

કર્યા હતા. ત્યારબાદ સરકારી રીતીનીતી મુજબ રગડ-ધગડ કામ ચાલતું હતું તેવામાં રાજ્ય સરકાર દ્વારા નવી ફાયર પોલીસી તૈયાર કરી અમલવારી શરૂ કરાવી જેના પગલે હાઈકોર્ટ દ્વારા તમામ શાળાઓમાં અગાસી ઉપર બનાવવામાં આવેલ પ્લાસ્ટિકના ડોમ દૂર કરી એક્ઝીટ માર્ગ ખૂલ્લો કરાવવાના આદેશ જારી કરતાં ફાયર વિભાગે ડોમ ધરાવતી તમામ શાળાઓને નોટિસ આપી ડોમ હટાવ્યા પછી જ એનઓસી મળશે તેમ જણાવતાં અંતે શાળા સંચાલકોએ આદેશનું પાલન કરી ડોમ હટાવવાનો આજથી પ્રારંભ કર્યો છે.

શહેરમાં આવેલ 400થી વધુ ખાનગી શાળાઓ પૈકી બહુમંઝીલી ઈમારતોમાં ધમધમતી સ્કૂલોમાં અગાસી ઉપર પ્લાસ્ટિકના ડોમો બનાવી વિદ્યાર્થીઓને અભ્યાસ ક્રમ વર્ષોથી કરાવવામાં આવી રહ્યો છે. આગની દૂર્ઘટના સર્જાય ત્યારે બહાર નિકળવાનો એક માત્ર રસ્તો અગાસી હોવાથી ઉપરોકત સ્થળે ડોમ બનાવવામાં આવે તો આગનું જોખમ વધી જાય છે અને બહાર નિકળવાનો રસ્તો બંધ થઈ જતાં મોટી જાનહાની સર્જાવાનો ભય જળુંબતો રહે છે. પરિણામે રાજ્ય સરકારની નવી ફાયર પોલીસીમાં બહુમંઝીલી શાળાઓની ઈમારતોમાં બે સીડી અને અગાસી ખુલ્લી હોવી ફરજીયાત બનાવી છે. ત્યારબાદ હાઈકોર્ટે ફાયર વિભાગને આદેશ કરી તમામ સ્કૂલોએ બનાવેલ ગેરકાયદેસર પ્લાસ્ટિકના જોખમી ડોમ દૂર કરવાની સૂચના આપી હતી. પરિણામે શાળા સંચાલકોએ ફાયર એનઓસી માટે કરેલ અરજીમાં ડોમનો મુદ્દો આવતાં ફાયર વિભાગે ડોમ હટાવ્યા બાદ એનઓસી મળશે તેમ જણાવી નોટિસની મુદ્દત પૂર્ણ થાય ત્યાં સુધીમાં ડોમ હટાવવાની તાકીદ કરી હતી. રાજ્ય સરકારના નિયમનું ચુસ્તપણે પાલન અને હાઈકોર્ટના આદેશની અવગણના થઈ શકે તેમ ન હોવાથી અંતે વર્ષોથી પેધી ગયેલા સ્કૂલ સંચાલકોએ જાતે પ્લાસ્ટિકના ડોમ હટાવી લેવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. ફાયર વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, શાળા સંચાલકોએ જાતે પ્લાસ્ટિકના ડોમ હટાવી લેવાની તૈયારી દર્શાવી છ.ે ત્યારે ફરી વખત ફાયર વિભાગે ડોમ ધરાવતી સ્કૂલોમાં ચેકીંગ કામગીરી આજથી શરૂ કરી છે. અમૂક શાળા સંચાલકોએ પ્લાસ્ટિકના ડોમ હટાવ્યા બાદ વધુ માળ ચણવાની મંજૂરી માટે ટીપી વિભાગનો સંપર્ક સાધ્યો છે. નિયમ મુજબ માળની મંજૂરી મળવાપાત્ર હશે ત્યારે ડોમના સ્થાને સિમેન્ટ-કોંક્રીટનું બાંધકામ કરી ફરી વખત ઉપર અગાસી ખૂલ્લી રાખવી પડશે આ પ્રકારની શાળાઓમાં બાંધકામ પૂર્ણ થયા બાદ ફાયર વિભાગ દ્વારા ચેકીંગ કરવામાં આવશે. તેમજ ફાયર સેફ્ટીના સાધનોનું પણ ચેકીંગ કરી એનઓસી ફાળવવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો