વિદ્યાર્થીને લિંક ન મોકલનારી શાળાની માન્યતા રદ કરો : હાઇકોર્ટ

ફી ન મળી હોય કે ફી મુદ્દે વિવાદના પરિણામે લિંક બંધ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-03-2021

અગાઉના વર્ષે શાળાએ વધુ ફી લીધી હોવાથી ચાલુ વર્ષની ફીમાં સરભર કરવા અરજદાર વાલીની માગણી

હેબતપુરમાં આવેલી યુરો સ્કૂલની બે વિદ્યાર્થિનીઓની ફી અંગે વાલીઓ અને શાળા અંગે વિવાદ ચાલતો હોવાથી શાળાએ વિદ્યાર્થિનીઓને ઓનલાઇન ક્લાસની લિંક મોકલવાનું બંધ કર્યુ છે. વિદ્યાર્થિનીઓને ફરી લિંક મોકલવાના આદેશનું પાલન ન થયા તો શાળાની માન્યતા રદ કરવાની છૂટ હાઇકોર્ટે જિલ્લા શિક્ષણાધિકારીને આપી છે. હાઇકોર્ટે શાળા સહિતના પ્રતિવાદીઓને નોટિસ પાઠવી વધુ સુનાવણી ૧૯મી એપ્રિલના રોજ નિયત કરી છે.

વસ્ત્રાપુરમાં રહેતા એક પરિવારની ૧૩ અને ૧૬ વર્ષીય પુત્રીઓ હેબતપુરની યુરો સ્કૂલમાં અભ્યાસ કરે છે. બન્ને વિદ્યાર્થિનીઓના પિતાની રજૂઆત છે કે સ્કૂલો માટે એફ.આર.સી.એ નક્કી કરેલી ફી કરતા વધુ ફી તેમણે ગત વર્ષે આપી હતી. આ વર્ષે પણ કોરોનાના કારણે ૭૫ ટકા જ ટયુશન ફી લેવાનો નિર્ણય સરકારે કર્યો છે. જેથી અરજદારે શાળા સમક્ષ માગણી કરી હતી કે ગત વર્ષની ફીને ચાલુ વર્ષમાં સરભર કરી દેવામાં આવે.

જો કે શાળાએ વાલીની માગણી ફગાવી હતી અને મોટી પુત્રીની માર્કશીટ અટકાવી રાખી હતી અને નાની પુત્રીને ઓનલાઇન ક્લાસ માટેની લિંક મોકલવાનું બંધ કર્યુ હતું. જેથી આ અંગે ડી.ઇ.ઓ. સમક્ષ રજૂઆત કરાતા ડી.ઇ.ઓ.એ લિંક મોકલવા અને માર્કશીટ અટકાવી ન રાખવા શાળાને આદેશ કર્યો હતો. જો કે આ અંગે શાળાએ કોઇ પાલન ન કરતા અરજદારોએ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. જેમાં હાઇકોર્ટે શાળાને નોટિસ પાઠવી જવાબ માગ્યો છે તેમજ જો તેમજ જો શાળા લિંક ન મોકલે તો તેની માન્યતા રદ કરવાની ડી.ઇ.ઓ.ને છૂટ આપી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો