રાજ્યમાં મર્યાદિત સંખ્યામાં હોળી પ્રગટાવવાની છૂટ, રંગોત્સવ પર ‘પ્રતિબંધ’

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-03-2021

મહારાષ્ટ્રમાં ચૂંટણી નહોતી, ક્રિકેટની મેચ પણ નથી રમાઈ છતાં દેશના સૌથી વધુ કેસ ત્યાં આવે છે, કોરોનાના કેસ વધ્યા છે પરંતુ સ્થિતિ અગાઉ જેવી ગંભીર નથી, રાજ્યમાં કોરોના વાયરસના (coronavirus) કેસોએ ભરડો લીધો છે ત્યારે રાજ્યમાં આગામી સમયમાં હોળીનાં આયોજનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે રાજ્યમાં હોળી પૂજા વિધિ માટે પ્રગટાવી શકાશે પરંતુ જાહેર કે નાના મોટા રંગોત્સવના (Holi Ban) કાર્યક્રમોને મંજૂરી આપવામાં નહીં આવે. આ ઉપરાંત રાજ્યમાં ધુળેટીની ઊજવણી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ગઈકાલે મુખ્યમંત્રી સાથેની કોરગ્રુપની મીટિંગમાં નિર્ણય કરવામાં આવ્યો છે. ધાર્મિક ઊજવણીની હોળી દહન માટે મર્યાદિત રીતે લોકો એકત્રિત થાય તેની છૂટ આપવામાં આવી છે. પરંતુ હોળી રમવાની છૂટ આપવામાં નથી. મને વિશ્વાસ છે કે રાજ્યના નાગરિકો જાગૃત છે એટલે કોઈ પણ વ્યક્તિ કોરોનાનું સંક્રમણ ન થાય એટલે હોળી રમશે નહીં. ધાર્મિક રીતે હોળી દહનની મંજૂરી આપવામાં આવી છે. તેનું બધા પાલન કરશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે અત્યારે કેટલાક શહેરોમાં જુદા જુદા પ્રકારના સ્ટ્રેઇન જોવા મળી રહ્યા છે. પરંતુ સદનસીબે જે ઇંગ્લેન્ડનો સ્ટ્રેન ખૂબ ફેલાવે એવી ચિંતા હતી તેવા ચિંતાકારક કોઈ સ્ટ્રેન હોય તેવુ માલુમ પડ્યું નથી. ક્રિકેટના કારણે સંક્રમણ ફેલાયું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે સંક્રમણ ફેલાયું તેવું કહેવું ઉચિત નથી. કારણ કે એવું હોત તો મહારાષ્ટ્રમાં ચૂંટણી નથી, મેચ પણ નથી છતાં દેશના 50 ટકા કરતાં વધુ કેસ મહારાષ્ટ્રમાંથી આવે છે. અગાઉ જે કોરોનાના ગંભીર કેસ આવતા હતા, એવા ગંભીર કેસ હાલમાં રાજ્યમાં નોંધાઈ રહ્યા નથી.

પ્રાથમિક તબક્કાના લક્ષણો ધરાવતા દર્દીઓ જ હાલમાં આવી રહ્યા છે. રાજ્યમાં 70 ટકા કરતાં વધુ પથારીઓ ખાલી છે. આપણે તૈયારીઓ રાખી છે. કેસ ભલે વધી રહ્યા છે પરંતુ અગાઉના તબક્કામાં જે ગંભીરતા વાળા કેસ આવી રહ્યા હતા એવા કેસ આવી રહ્યા નથી. વેન્ટિલેટર પર લેવા પડે કે ગંભીર સારવાર આપવી પડે એવા કેસ મર્યાદિત છે. જેના કારણે દર્દીઓ ઝડપથી સાજા થઈ જાય છે. આ સાયકલ પ્રમાણે વધઘટ થયા કરે છે. રાજ્યમાં છેલ્લા 10 દિવસથી કોરોના વાયરસના કેસ ચરમસીમાંએ છે ત્યારે રાજ્યમાં હોળીની ઊજવણીને સીમિત રાખવા માટે નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો