ટ્વીટરમાં આવી રહી છે એક મોટી અપડેટ, યુટ્યુબ વીડિયો જોવામાં રહેશે સરળતા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-03-2021

જો તમને પણ એવી ફરિયાદ રહેતી હોય કે, ટ્વીટર પર યુટ્યુબ વીડિયો જોવા માટે તમારે યુટ્યુબ એપ ખોલવી પડે છે તો આ સમાચાર ખાસ તમારા માટે જ છે. કંપની ટૂંક સમયમાં જ તમારી આ સમસ્યાને દૂર કરવા જઈ રહી છે. ટ્વીટરના કહેવા પ્રમાણે તે એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે અને ત્યાર બાદ યુઝર્સ યુટ્યુબ વીડિયોને પણ ટ્વીટર પર જ જોઈ શકશે. તે માટે યુટ્યુબ એપ પણ નહીં ખોલવી પડે અને ટ્વીટર એપમાંથી બહાર પણ નહીં જવું પડે.

ટ્વીટરે નવા ફીચર અંગેની જાણ કરતી ટ્વીટમાં લખ્યું હતું કે, ‘અમે આજથી આઈઓએસ પર યુટ્યુબ વીડિયો જોવા ટેસ્ટિંગ શરૂ કરી રહ્યા છીએ. હવે યુઝર્સ પોતાની ટાઈમલાઈન પર જ યુટ્યુબ વીડિયો જોઈ શકશે. તેમણે એપ બંધ નહીં કરવી પડે.’

હાલ તમે ટ્વીટર પર કોઈ યુટ્યુબ વીડિયો પર ક્લિક કરો છો તો તમારા ફોનમાં પહેલેથી જ ઈન્સ્ટોલ યુટ્યુબ એપ ઓપન થાય છે અને વીડિયો ત્યાં પ્લે થાય છે. પરંતુ નવા અપડેટ બાદ તેમ નહીં બને.

ઉલ્લેખનીય છે કે, ટ્વીટર એક નવા પ્લેટફોર્મ પર કામ કરી રહ્યું છે જે TweetDeckનો જ નવો અવતાર હશે. નવા પ્લેટફોર્મ દ્વારા યુઝર્સ તમામ લિસ્ટ એરેન્જ કરી શકશે અને પોતાના હિસાબથી ફીડ જોઈ શકશે. હાલ ટ્વીટરે નવા પ્લેટફોર્મ અંગે કોઈ ખાસ જાણકારી શેર નથી કરી પરંતુ વર્ષના અંત સુધીમાં તેને લોન્ચ કરવામાં આવે તેવી આશા છે.

TweetDeck એક વૈકલ્પિક પ્લેટફોર્મ છે જેના દ્વારા એક સાથે અનેક એકાઉન્ટ એક્સેસ કરવાની અને અનેક એકાઉન્ટની ફીડ એક સાથે જોવાની તક મળે છે. ટ્વીટડેકમાં અનેક ફીચર્સ એવા પણ છે જે ટ્વીટરમાં નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો