બે સીડી નહીં હોય તેવી બહુમંઝીલી શાળાઓમાં અભ્યાસ બંધ કરાવાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-03-2021

450થી વધુ શાળાનાં સંચાલકો સાથે મિટિંગ યોજાયા બાદ નવા નિયમો થયા જાહેર

જૂના બાંધકામ હોય અને માર્જીનની જગ્યા ન હોય ત્યારે લોખંડની ફોલ્ડિંગ સીડી મૂકી શકાશે: આવેલ અરજીઓ પૈકી મોટાભાગની શાળાઓમાં એક્ઝિટ ગેટ ન હોવાનું બહાર આવ્યું

રાજકોટ શહેરમાં ફાયર સેફ્ટીની અમલવારી માટે મનપાના ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલો, શાળાઓ, હોટલો-રેસ્ટોરન્ટ તેમજ બહુમાળી કોમર્શિયલ ઈમારતોમાં ફાયર સેફ્ટીના નિયમ મુજબના સાધનો લગાવી ફાયર એનઓસી મેળવી લેવાની સૂચના આપવામાં આવી છે. જેમાં શહેરની અંદાજીત 500થી વધુ શાળાઓમાં અપૂરતા ફાયર સેફ્ટીના સાધનો તેમજ બહુમંઝીલી શાળાઓમાં એક્ઝીટ ગેઈટ ન હોવાનું ગઈકાલે યોજાયેલ શાળા સંચાલકોની મીટીંગમાં બહાર આવતા ફાયર વિભાગે 15 મિટરથી વધુ ઉંચાઈ ધરાવતી શાળાઓમાં બે સીડી એટલે કે આવવા તથા જવા માટેની અલગ અલગ સીડી ફરજીયાત રાખવાની સૂચના આપવામાં આવી છે. તેની અમલવારી નહીં થાય તો શાળામાં અભ્યાસક્રમ બંધ કરાવવા સુધીના પગલા લેવામાં આવશે તેમ ફાયર વિભાગના સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

ફાયર વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ, હાઈકોર્ટના આદેશ બાદ તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીના નિયમ મુજબના પૂરતા સાધનો વસાવ્યા બાદ ફાયર એનઓસી મેળવી લેવા માટે દરેક મહાનગરપાલિકાના ફાયર વિભાગને સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત છેલ્લા બે માસથી શહેરભરની સરકારી અને પ્રાઈવેટ શાળાઓમાં ચેકીંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. નવ મિટરથી વધુ ઉંચાઈ ધરાવતી બહુમંઝીલી શાળાઓએ ફાયર એનઓસી લેવું ફરજીયાત છે.

રાજ્ય સરકારના ફાયર સેફ્ટીના નવા નિયમ મુજબ બહુમંઝીલી શાળાની ઈમારતમાં આવક-જાવક માટેની અલગ અલગ સીડી હોવી ફરજીયાત કરવામાં આવી છે.

પરંતુ, 450થી વધુ શાળાના સંચાલકો સાથે મીટીંગ યોજવામાં આવેલ. જેમાં મોટાભાગના શાળા સંચાલકોએ બિલ્ડીંગ જૂનુ હોવાને કારણે માર્જીનની જગ્યા ન હોય બીજી સીડી બની શકે તેમ નથી તેમ જણાવેલ પરિણામે હોસ્પિટલ બાબતે જે નિયમ લાગુ કરવામાં આવ્યો છે તે મુજબ શાળાઓમાં માર્જીનની જગ્યા ન હોય અને સીમેન્ટ, કોક્રીંટની સીડી બનાવી આર્થિક રીતે પોષાય તેમ ન હોવાથી દરેક શાળા સંચાલકો એક્ઝીટ ગેઈટ માટે લોખંડની ફોલ્ડીંગ સીડી મૂકી શકશે. 9 મિટરથી ઓછી ઉંચાઈ ધરાવતા શાળા બિલ્ડીંગને ફાયર એનઓસીની જરૂરીયાત રહેતી નથી. પરંતુ, શાળામાં પ્રાથમિક ફાયર સેફ્ટીની સાધન સામગ્રી હોવી જરૂરી છે. જ્યારે 15 મિટરથી વધુ ઉંચાઈ ધરાવતી સ્કૂલ બિલ્ડીંગમાં બે સીડી હોવી ફરજીયાત બનાવવામાં આવી છે. આગામી દિવસોમાં ફાયર વિભાગ દ્વારા તમામ શાળાઓમાં એકઝીટ ગેઈટ બાબતે ફરી વખત ચેકીંગ હાથ ધરવામાં આવશે. નિયમ મુજબ, બે સીડી નહીં હોય તેવી શાળાને બંધ કરવાની સૂચના પણ અપાશે. હાલ શાળા સંચાલકોની એક્ઝીટ ગેઈટના નિયમનું ફરજીયાત પાલન કરવાના કડક આદેશ આપવામાં આવ્યા છે.

9 મીટર ઉંચાઇ ધરાવતી શાળાને અપાઇ છૂટછાટ

સેલ્ફ ફાઈનાન્સ શાળાઓમાં ફાયર સેફ્ટી મુદ્દે નવા નિયમોની અમલવારી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. જેમાં 9 મિટરથી ઓછી ઉંચાઈ ધરાવતી શાળા બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીના નિયમ મુજબના સાધનો ફરજીયાત રાખવા પડશે. જ્યારે આ શાળાઓએ ફાયર એનઓસી નહીં લેવી પડે.

પ્લાસ્ટિકના ડોમ હટાવવા સૂચના જારી કરાઇ

બહુમંઝીલી શાળાની ઈમારતોમાં અગાસીમાં પ્લાસ્ટિકના ડોમ બનાવી વિદ્યાર્થીઓને શિક્ષણકાર્ય કરાવવામાં આવી રહ્યું છે. અગાઉની દૂર્ઘટનાઓને ધ્યાને લઈ ફાયર વિભાગે નિયમ અમલમાં મૂક્યો છે. જે મુજબ બહુમંઝીલી શાળાઓમાં અગાસી ખુલ્લી રાખવી પડશે. ઉપરોકત જગ્યાએ બનાવવામાં આવેલ પ્લાસ્ટિકના ડોમ દૂર કરવા પડશે. જ્યારે ટાઉનપ્લાનિંગ વિભાગની મંજૂરી હશે તો અગાસી ઉપર પાકુ બાંધકામ કરી ફરી ઉપર ખુલ્લી અગાસી મૂકવી પડશે. આથી શહેરની શાળાઓમાં આવેલ પ્લાસ્ટિકના ડોમ હટાવવાની સૂચના ફાયર વિભાગ દ્વારા આપવામાં આવી છે.

લિફ્ટમાં ફાયર બટન ફરજિયાત

બહુમંઝીલી શાળાઓમાં સીડીની સાથોસાથ લિફ્ટનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. દૂર્ઘટના સમયે લિફ્ટ અધવચ્ચે કોઈ અટકાવી ન શકે અને અસરગ્રસ્તો તાત્કાલિક ગ્રાઉન્ડ ફ્લોર પહોંચી શકે તે માટે લિફ્ટમાં ફરજીયાત ફાયર બટન લગાવવાનો નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે. દરેક શાળાની ઈમારતમાં લિફ્ટમાં ફાયર બટન મૂકવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. આગામી દિવસોમાં ફાયર સેફ્ટીના સાધનો તેમજ ફાયર એનઓસી અંગે ચેકીંગ કામગીરી હાથ ધરાશે. જેમાં પ્રથમ લિફ્ટમાં ફાયર બટન છે કે નહીં તે ચેક કરવામાં આવશે. ત્યારબાદ શાળાને ફાયર એનઓસી મળશે.

વાલીઓ જાગૃત થાય

શાળાઓમાં ફાયર સેફ્ટીના અપુરતા સાધનો અને અનેક શાળાઓ પાસે ફાયર એનઓસી નહીં હોવાનું બહાર આવ્યું છે. જ્યારે મોંઘીદાટ ફી ભર્યા બાદ સંતાનોને શાળાએ મોકલ્યા બાદ આગની દૂર્ઘટના સમયે બાળકોની સુરક્ષા માટે પણ વાલીઓએ હવે આગળ આવવું પડશે. ફાયર વિભાગમાંથી શાળાઓમાં ફાયર સેફ્ટી અંગે શું-શું કરવાનું થાય છે તેની માહિતી મેળવી પોતાના સંતાનો જે શાળામાં જતા હોય તે શાળાની રૂબરૂ મુલાકાત લઈ ફાયર સેફ્ટીના સાધનો ન હોય અથવા શાળા સંચાલકોએ છૂટછાટ લીધી હોય ત્યારે ફાયર વિભાગને તુરંત તેની જાણ કરી પોતાના સંતાનોની સુરક્ષાની કાળજી રાખવાની જરૂરીયાત ઉભી થઈ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો