2269 ડોક્ટરોની નિમણુંક સામે માત્ર 373 ડોક્ટરો ફરજ પર હાજર

ડોકટરો પાસેથી 83. 60 કરોડ બોન્ડની રકમ વસૂલવાની બાકી દાહોદમાં 446 ડોકટરોમાંથી માત્ર 42 હાજર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-03-2021

રાજયમાં છેલ્લાં બે વર્ષમાં સરકારી કોલેજોમાંથી એમબીબીએસ પાસ થયેલા 2269 ડોકટરોની નિમણૂંક કરવામાં આવી હતી. તેમાંથી માત્ર 373 ડોકટરો જ ફરજ પર હાજર થયા હતા. જયારે 1761 ડોકટરો ફરજ પર હાજર થયા ન હતા. આવા ડોકટરો પાસેથી બોન્ડ વસૂલવાની જોગવાઇ કરવામાં આવી છે. પરંતુ તે માત્ર 244 ડોકટરો પાસેથી 12 કરોડ 8 લાખ 50 હજારની રકમ વસૂલ કરવામાં આવી છે. જયારે સરકારનો આદેશ હોવા છતાં ફરજ પર હાજર નહીં થનારા ડોકટરો પાસેથી 83 કરોડ 60 લાખ રૂપિયા બોન્ડરની રકમ વસૂલવાની બાકી છે.

  કોંગ્રેસના ધારાસભ્યો તરફથી છેલ્લાં બે વર્ષમાં રાજયમાં સરકારી કોલેજોમાં એમબીબીએસ પાસ થયેલા કેટલાં ડોકટરોની નિમણૂંક કરવામાં આવી હતી. તેમાંથી કેટલાં હાજર થયા અને ગેરહાજર રહેનારા ડોકટરોની સંખ્યા કેટલી તેમ જ તેમની બોન્ડની રકમ વસૂલાત કરાઇ તથા કેટલાં ડોકટરોની બાકી વગેરે પ્રકારના પ્રશ્નો વિધાનસભામાં પૂછવામાં આવ્યા હતા. જેના આરોગ્ય મંત્રી તરફથી જવાબ આપવામાં આવ્યા હતા

  આ જવાબોને સંકલિત કરીને રાજયની સરકારી હોસ્પિટલોની સ્થિતિનો ચિતાર કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તેની સાથે કોંગ્રેસે જણાવ્યું છે કે, રાજયની સરકારી કોલેજોમાં મામૂલી ફી ભરીને એમબીબીએસ થયેલા ડોકટરોને જિલ્લાઓમાં સેવા આપવા સરકાર ફરજ પાડી શકતી નથી. તેમ જ સરકારી નીતિ મુજબ બોન્ડની રકમ પણ વસૂલ કરી શકતી નથી. ત્યારે આવા ડોકટરો ફરજના જિલ્લાઓમાં હાજર ન થતાં ગરીબોને સરકારી હોસ્પિટલમાં જાય ત્યારે ડોકટરો જ ઉપલબ્ધ હોતા નથી. સરકારી ઢીલી નીતિના કારણે ગરીબોને ના છૂટકે ખાનગી હોસ્પિટલોમાં સેવા લેવાની ફરજ પડે છે અથવા રોગો વચ્ચે રીબાવવાનો વારો આવે છે.

રાજયના 33 જિલ્લાઓમાં સ્થિતિ એકસરખી છે. દરેક જિલ્લાની સરકારી હોસ્પિટલ દ્વારા કરાયેલી નિમણૂંકમાંથી ઘણાં લોકો હાજર થયા ન હતા. પરંતુ મહત્તમ કયા જિલ્લામાં નિમણૂંક થઇ હતી તેમાંથી કેટલાંમાં હાજર થયા ન હતા તે જોઇએ તો આણંદ જિલ્લામાં 25 ડોકટરોની નિમણૂંક આપી હતી. તેમાંથી માત્ર 3 હાજર થયા હતા. જયારે 22 ડોકટરો ગેરહાજર રહ્યાં હતા. તેમાંથી માત્ર 5 ડોકટરોની બોન્ડની રકમની વસૂલાત કરાઇ હતી.

તે જ રીતે ખેડામાં 35માંથી માત્ર 16 ડોકટરો હાજર થયા હતા. જયારે 19 ગેરહાજર રહ્યાં હતા. તેમાંથી 6 ડોકટરોની બોન્ડની રકમ વસૂલ કરાઇ છે. જયારે વલસાડમાં 98 ડોકટરો પૈકી માત્ર 32 હાજર થયા હતા. જયારે 66 ગેરહાજર રહ્યાં હતા. તેમાંથી માત્ર 7 જ ડોકટરોની બોન્ડ રકમ વસૂલ કરાઇ છે.

દાહોદમાં 446 ડોકટરોમાંથી માત્ર 42 હાજર તથા 404 રહ્યાં ન હતા. તેમાંથી માત્ર 34 જણાંની બોન્ડની રકમ વસૂલ કરાઇ હતી. તેમ જ છોટા ઉદેપુરમાં 287 પૈકી 24 જ હાજર થયા હતા. બાકીના 163માંથી 26ની જ બોન્ડની રકમ વસૂલાત કરાઇ હતી. આવી જ સ્થિતિ ભરૂચ, નર્મદા, દેવભૂમિ દ્વારકા વગેરેની છે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો