બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મહારાષ્ટ્રનું વિઘ્ન, કેન્દ્ર અને ગુજરાત હવે શું કરશે?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-03-2021

અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં વિધ્ન આવી રહ્યાં છે છતાં કેન્દ્ર અને ગુજરાત સરકાર આ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા માટે મક્કમ છે. આ પ્રોજેક્ટમાં મહારાષ્ટ્રની બિન ભાજપી સરકાર ધર્ષણમાં ઉતરી રહી છે ત્યારે મહારાષ્ટ્રના ટ્રેક અંગે વિલંબ થાય તેવી સંભાવના છે.

ગુજરાતમાં જમીન સંપાદન પ્રક્રિયા લગભગ પૂર્ણ થવા આવી છે પરંતુ મહારાષ્ટ્રના વિસ્તારોમાં જમીન સંપાદન પ્રક્રિયામાં વિધ્નો ઉભા થઇ રહ્યાં છે. મહારાષ્ટ્રની સરકાર આ પ્રોજેક્ટમાં સહકાર આપતી નથી તેથી વિલંબ થઇ રહ્યો હોવાનું નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના એક અધિકારી જણાવે છે આમ છતાં ગુજરાતના ટ્રેકના કામો ઝડપથી પૂર્ણ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

આ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ અને જાપાન રેલવે ટ્રેક કન્સલ્ટન્સી કંપની વચ્ચે એક એમઓયુ સાઇન થયો છે જેમાં વડોદરા થી વાપી વચ્ચેના 237 કિલોમીટરના ટ્રેનરૂટની ડિઝાઇન આ કંપની તૈયાર કરી આપશે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત વડોદરાથી વાપી વચ્ચેના 237 કિલોમીટરના રૂટની રૂપરેખા તૈયાર કરવા માટે ભારતના નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશને જાપાન રેલવે ટ્રેક કન્સલટન્સી કંપની સાથે કરારો કર્યાં છે. જાપાનીકંપની અને ભારતના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે વર્ચ્યુઅલ મીટિંગ થઈ હતી જેમાં ભારતના વિવિધ અધિકારીઓ ઉપરાંત જાપાન દૂતાવાસના અધિકારી અને જાપાનની રેલવે કંપનીના અધિકારીઓ વચ્ચે બધા મુદ્દે વાતચીત થઈ હતી.

આ એમઓયુ અંતર્ગત 237 કિલોમીટરના લાંબાં રૂટની ડિઝાઈનથી લઈને વિવિધ બાબતોની ડિઝાઈન અને ડ્રોઈંગ જાપાનની કંપની ભારતને આપશે. આ એમઓયુ ખૂબ જ મહત્વના સાબિત થશે. તેનાથી ભારત-જાપાન વચ્ચે હાઈસ્પીડ રેલવે બાબતે સહકાર વધારે મજબૂત થશે.

ઉલ્લેખનીય છે કે ભારત-જાપાન વચ્ચે 2017માં 1.08 લાખ કરોડના બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત થઈ હતી. અમદાવાદ-મુંબઈ વચ્ચે 508 કિલોમીટર વચ્ચે આ બુલેટ ટ્રેન દોડાવવાનું સરકારનું આયોજન છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં વિલંબ થાય અને મહારાષ્ટ્ર સરકાર આ પ્રોજેક્ટમાં સહકાર ન આપે તો રેલવે પહેલા તબક્કામાં અમદાવાદથી વાપી સુધી 325 કિલોમીટરનો પ્રોજેક્ટ શરૂ કરી શકે છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં માત્ર 30 ટકા જમીનનું જ સંપાદન થઈ શક્યું છે. સંપૂર્ણ યોજના માટે 70 ટકા જમીનનું સંપાદન થવું જરૂરી છે. બુલેટ ટ્રેન કોરીડોરનો 155.76 કિલોમીટરનો ભાગ મહારાષ્ટ્રમાં, 348.04 કિલોમીટર ગુજરાતમાં અને 4.3 કિલોમીટર દાદરા-નગર હવેલીમાં આવે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો