1 એપ્રિલથી બેંકોનું મર્જર: જૂની ચેકબુકનું શું? ગ્રાહકો મૂંઝવણમાં

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-03-2021

આગામી મહિનાથી આઠ રાષ્ટ્રીયકૃત બેંકોનાં મર્જર લાગુ થયા બાદ વિલીન થતી બેંકોની ચેકબુક અસ્તિત્વમાં રહેશે કે કેમ તે વિશે જબરી અટકળો-તર્ક વિતર્કો ચાલી રહ્યા છે. તેવા સમયે બેન્ક ઓફ બરોડા તરફથી એવી ચોખવટ કરવામાં આવી છે કે વિજયા બેંક તથા દેનાબેંકની ચેકબુકો પણ યથાવત રીતે ચાલશે જ.ગ્રાહકોએ કોઈ ગભરાટ રાખવા કે અનેકવિધ અફવા અટકળોથી ગેરમાર્ગે દોરવાવાની જરૂર નથી.

દેનાબેંક, વિજયાબેંક, કોર્પોરેશન બેંક, આંધ્રબેંક, સીન્ડીકેટ બેન્ક, ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સ, યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડીયા તથા અલ્હાબાદ બેંક એમ આઠ બેંકોનું મર્જર થવાનું છે અને તેમાંથી ત્રણ બેંકો જ રચાવાની છે.

બેંકો દ્વારા જુદી જુદી નીતિ અપનાવવામાં આવી હોવાના નિર્દેશ છે. પંજાબ નેશનલ બેંકે તો એવુ જાહેર કરી દીધુ છે કે ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સ તથા યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડીયાની વર્તમાન ચેકબુક 1લી એપ્રિલથી માન્ય નહી રહે. 31 માર્ચ સુધીમાં તેનો ઉપયોગ ચાલુ રહેશે. ગ્રાહકોએ નવા આઈએફએસસી તથા એમઆઈસીઆર કોડની પણ જાણકારી લઈ લેવી પડશે.નવી પ્રક્રિયા અંતર્ગત ગ્રાહકોએ મર્જ થતી જુની બેંકોના ચેકબુકના સ્થાને નવી બેંકની ચેકબુક-પાસબુક મેળવવી પડશે.ઉપરાંત મોબાઈલ નંબર, સરનામા, વારસદારના નામ વગેરે વિગતો સ્પષ્ટ કરાવવી પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેનાબેંક તથા વિજયા બેંકનું બેંક ઓફ બરોડામાં મર્જર કરવામાં આવ્યું છે. ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સ તથ યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાનું પંજાબ નેશનલ બેંકમાં મર્જર લાગુ પડશે. યુનિયન બેંકમાં આંધ્ર-કોર્પોરેશન, કેનેરા-સિન્ડીકેટ બેંકનું મર્જર કરાયું છે.બેંકીંગ ક્ષેત્રમાં અત્યાર સુધીની આ સૌથી મોટી મર્જર કવાયત છે.પંજાબ નેશનલ બેંકે, મર્જ થતી બેંકોની ચેકબુક-પાસબુક માન્ય નહિં રખાવવાની જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ બેંક ઓફ બરોડાએ તે માન્ય રાખ્યા છે.સતાવાર ટવીટમાં બેંકે એમ કહ્યું કે વિજયાબેંક તથા દેનાબેંકની ચેકબુક પણ માન્ય રહેશે. જોકે ગ્રાહક ઈચ્છે તો નવી ચેકબુક લઈ શકશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો