રાત્રિ ક્ફર્યૂ 31મી માર્ચ સુધી?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-03-2021

રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં લાદવામાં આવેલા રાત્રી કર્ફ્યુની મુદત આજે પુરી થઈ રહી છે ત્યારે કર્ફ્યૂ અને કોરોના અંગે રાજ્ય સરકારની કોર કમિટીની આજે મળનારી બેઠકમાં કર્ફ્યૂની મુદ્દત 31મી માર્ચ સુધી લંબાવવામાં આવે તેવી શક્યતાઓ છે. જ્યારે કોરોના અંગે પણ સરકાર નવી ગાઈડલાઈન બહાર પાડી શકે છે. અત્યારે ચાર મહાનગરોમાં રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલી કરાયેલો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાઇ રહેલી ટી-ટ્વેન્ટી મેચને લીધે રાજ્ય સરકાર મુંઝવણમાં છે. મેચને લીધે રાત્રિ કરફ્યુની સમય મર્યાદામાં કોઇ વધારો થઇ શકે તેમ નથી. ગુજરાતમાં ફરી કોરોનાની ત્રીજી લહેર આવી શકે તેવી સ્થિતિનુ નિર્માણ થઇ રહ્યુ છે. ત્યારે ભાજપ સરકારની મૂંઝવણ વધી છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો ફરી એક વાર તેજ રફતારથી વધી રહ્યાં છે. ડોકટરોએ પણ ચેતવણી ઉચ્ચારી છે કે, ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. બીજી તરફ, મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગલેન્ડ વચ્ચે ક્રિકેટ મેચ રમાઇ રહી છે. જેમાં કોરોનાના ભય વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હજારો દર્શકો ટી-ટવેન્ટી મેચનો આનંદ માણી રહ્યાં છે. રાજયભરમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ બાદ કોરોનાના કેસો જાન્યુઆરી માસમાં સિંગલ ડીઝીટમાં આવી ગયા બાદ ફરી કોરોનાએ ફુંફાડો માર્યો છે. છેલ્લા એક સપ્તાહથી રાજયભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ગત માર્ચ માસમાં 18મી તારીખે ગુજરાતનો સૌ પ્રથમ કોરોના કેસ રાજકોટ અને સુરતમાં આવ્યા બાદ માર્ચ માસમાં ફરી કોરોના વકરે નહી તે મુદે મુખ્યમંત્રી સહીત ટોચના અધિકારીઓ સતત ચિંતીત થયા છે.

તાજેતરમાં જ રાજયના ચાર મહાનગરના જીલ્લા કલેકટરો અને કમિશ્ર્નરો સાથે મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સ યોજી હતી.જેમાં કોરોના કેસ અટકાવવા માટે ટેસ્ટીંગ વધારવાની સૂચના આપી હતી.ગુજરાતના શહેર અને જિલ્લામાં હાલમાં સરકારી, ખાનગી હોસ્પીટલો અને અર્બન હેલ્થ સેન્ટરોમાં કોરોના વેકસીન આપવામાં આવી રહી છે તેનો વ્યાપ વધારવા ટુંક સમયમાં એક એકશન પ્લાન ઘડી કાઢવામાં આવશે અને ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં કોરોના રસીકરણની ઝુંબેશ વધુ વેગવંતી કરવા ખાસ કાર્યક્રમો કરવા માટે આશાવર્કરો, આંગણવાડી વર્કરો, ફીમેલ હેલ્થવર્કરો સહિતનાને કામે લગાડવાની તૈયારી શરુ કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 28 ડિસેમ્બર બાદ ફરી 810 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 810 નવા કેસ નોંધાયા છે. આમ કોરોના મામલે ગુજરાત 76 દિવસ પાછું ધકેલાયું છે. જેને પગલે રાજ્ય દિવાળી સમયની સ્થિતિ તરફ ધકેલાય રહ્યું છે.આ 24 કલાક દરમિયાન 586 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

જ્યારે અમદાવાદ અને ખેડામાં 1-1 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,424 થયો છે. આ સાથે જ રાજ્યનો રિક્વરી રેટ ઘટીને 96.82 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 22 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4 હજારને પાર થયો છે અને હાલ 4422 એક્ટિવ કેસ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો