ગુજરાતના 60 હજાર સહિત 10 લાખ બેંક કર્મીની સામૂહિક હડતાળથી દેશભરનો બેન્કિંગ વ્યવહાર ખોરવાયો

Bhopal: A closed SBI branch as the bank employees' went on a two-day nationwide strike to press for wage revision, in Bhopal on Wednesday, May 30, 2018. (PTI Photo) (PTI5_30_2018_000060A)

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-03-2021

‘બંધ’ ચાલુ: બેન્કોના ખાનગીકરણના વિરોધમાં આજથી શરુ થયેલી બે દિવસીય રાષ્ટ્રવ્યાપી બેન્ક હડતાળ ઍલાનનો રાજકોટમાં પણ સજ્જડ પડઘો પડ્યો હતો. રાજકોટની લગભગ તમામ મોટી બેન્કોએ આજે અલીગઢિયા તાળાં જોવા મળ્યા હતા. દેશમાં કુલ 10 લાખ કર્મચારીઓ બે દિવસીય હડતાળમાં જોડાતાં ખાતા ધારકોના અનેકવિધ ટ્રાન્ઝેકશન્સ અટકી પડ્યા હતા. જો કે એટીએમની સુવિધા સહિત ઓનલાઈન ટ્રાન્ઝેકશન્સની ડિજિટલી વ્યવસ્થા વ્યાપક બની હોઈ, બેઠક હડતાળથી અગાઉ જેવો હાહાકાર મચ્યો નથી.

સરકાર દ્વારા બેન્કોનું ખાનગીકરણ કરવામાં આવશે તો બેન્કોમાં પડેલી 146 લાખ કરોડની મૂડી ખાનગી પાર્ટીઓના હાથમાં આવી જશે અને તેનો વહેવાર બરાબર નહિ થાય તો તેનાથી કરોડો થાપણદારોએ મૂડી ગુમાવવાની નોબત આવી શકે છે તેવી રજૂઆત કરીને સરકારના બેન્કોના ખાનગીકરણના નિર્ણય સામે 15 અને 16મી માર્ચે બે દિવસની હડતાલ પાડવાના સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશના બેન્ક કર્મચારીઓએ નિર્ણય કર્યો છે. ગુજરાતના 60,000 કર્મચારીઓ આ હડતાલમાં જોડાવાના છે.

ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયી એસોસિયેશનના સી.એચ. વેંકટાચલમનું કહેવું છે કે અત્યારે જાહેર ક્ષેત્રની બેન્કોના હાથમાં તેમની મૂડી હોવાથી પ્રજા શાંતિથી ઊંઘી શકે છે. પરંતુ જાહેર ક્ષેત્રની બેન્કોના ખાનગીકરણ થવાથી જનતાની એટલે કે થાપણદારોની આ જ મૂડી ખાનગી માલિકોના હાથમાં આવી જશે. ખાનગી માલિકો જનતાની આ મૂડીનો ઉપયોગ પોતાનો નફો વધારવા માટે જ કરશે.

તેમનું કહેવું છેકે, સરકારી બેન્કો સમાજ પરત્વેના દાયિત્વ સાથે કામ કરે છે. તેઓ જે અંતરિયાળ વિસ્તારમાં બેન્કિંગની સુવિધા ન હોય ત્યાં ખોટ ખાઈને પણ લોકોને સર્વિસ પૂરી પાડવાનો પ્રયાસ કરે છે. ખાનગી બેન્કો સર્વિસ પૂરી પાડવાની ભાવનાથી નહિ, પરંતુ પોતાનો નફો કમાવાની ભાવનાથી જ થતો હોવાથી થાપણદારોનું હિત સચવાશે નહિ. સરકારની સૂચના છતાં ખાનગી બેન્કોએ તેમના નફાને જાળવી રાખવા માત્ર 1.25 કરોડ જનધન ખાતાઓ ખોલ્યા હતા. તેની સામે જાહેર ક્ષેત્રની બેન્કોએ 33.05 કરોડ જનધન એકાઉન્ટ ખોલીને સરકારને સહકાર આપ્યો હતો.

મોટી મોટી ખાનગી કંપનીઓ ચલાવતા માલિકોએ જ બેન્કોના રૂા. 8 લાખ કરોડથી વધુ ડૂબાડયા છે. હવે આવા જ ખાનગી માણસોને સમગ્ર દેશના લોકોની મૂડી એટલે કે રૂા. 146 લાખ કરોડની મૂડી ધરાવતી બેન્કોનો કારોબાર સોંપી દેવાની ફિરાકમાં સરકાર છે. આ રીતે ખાનગીકરણ કરવામાં પ્રજાના નાણાંની ઉઘાડી લૂંટ કરવાનો ખાનગી માલિકોને પરવાનો મળી જશે.

ખાનગી બેન્કોમાં જાહેર ક્ષેત્રની બેન્કોની તુલનાએ ત્રણથી પાંચ ગણી (રૂા.1000 સામે રૂા. 3000થી 5000) મિનિમમ ડિપોઝિટ મૂકવાની ફરજ પાડવામાં આવશે. પરિણામે 15000થી 25000ના પગાર ધરાવનારાઓની આર્થિક સંકડામણ વધી જવાની પણ સંભાવના છે. અત્યારે પણ ખાનગી બેન્કો દ્વારા જુદી જુદી સર્વિસને નામે બેફામ લૂંટ ચલાવવામાં આવી રહી છે. સંપૂર્ણ ખાનગીકરણ કરાયા પછી તેઓ બેન્કનીદરેક સર્વિસ માટે બેફામ ચાર્જ લેતા થઈ જશે. દેશમાંથી 10 લાખ જેટલા બેન્કકર્મી હડતાળમાં જોડાવાની શક્યતા છે. મહાગુજરાત બેન્ક એમ્પ્લોઇઝ એસો. પણ હડતાળમાં જોડાશે. ગુજરાતમાં 5,000 બેન્ક બ્રાન્ચો બંધ રહેશે અને રાજ્યના 60,000 બેન્ક કર્મચારીઓ હડતાળ કરશે. જેને પગલે રૂ. 20,000 કરોડના બેન્ક ટ્રાન્ઝેક્શન અટકી જશે.

બેન્કોનું ખાનગીકરણ થઈ જશે તો ખાનગી બેન્કો નાની નાની બચત પર ઓછું વ્યાજ આપશે. રાહતના દરે આપવામાં આવતી લોનની યોજનાઓ બંધ થઈ જશે. ખાનગી બેન્કો દ્વારા કૃષિ ધિરાણ ઓછું અપાય છે. ખાનગીકરણ પછી ખેડૂતોને પણ પૂરતા ધિરાણ મળશે નહિ. તેથી ખેડૂતોએ જૂની પ્રથાએ કામ કરતાં શાહુકારોની ચુંગાલમાં ફસાવું પડશે. બેન્કોનું ખાનગીકરણ થઈ જતાં ગુજરાતમાં બેન્કોની બ્રાન્ચની સંખ્યા પણ ખાસ્સી ઘટી જશે.

અત્યારે ગુજરાતમાં જાહેર ક્ષેત્રની બેન્કોની 5000થી વધુ શાખાઓ સક્રિય છે. સરકારી બેન્કો દ્વારા મહિલાઓને રોજગારી વધુ મળે તે માટે ચલાવવામાં આવતી યોજનાઓ બેન્કોના ખાનગીકરણ પછી ધીરે ધેરી ઓછી થઈ સમય જતાં કદાચ સાવ જ બંધ થઈ જશે. ગુજરાતના જ સેલ્ફ હેલ્પ ગ્રૂપની સંખ્યા હજારોમાં છે. તેમને સરકારી બેન્કોને જે સહકાર અને સહાય મળે છે તેવી સહાય ખાનગી બેન્કો તરફથી મળશે નહિ. સરકાર દ્વારા ફાઈનાન્શિયલ ઇન્ક્લુઝનની ચલાવવામાંઆવતી યોજનાઓનો યોગ્ય અમલ ખાનગીકરણને પરિણામે અટકી પડશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો