રાજકોટ સહિતનાં મહાનગરોમાં ‘ધૂળેટી’ પર પાબંધી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-03-2021

સરકારે જાતે આંખે થવાના બદલે મોટા ગ્રૂપો-ક્લબોવાળાને બોલાવી (દબાવી, એમ વાંચો) કરાવી સ્વૈચ્છિક જાહેરાત, રાજકોટમાં આંશિક છૂટછાટના ઉડતા-વાવડ

અમદાવાદની કર્ણાવતી અને રાજપથ ક્લબે ધૂળેટી નહીં મનાવવા નિર્ણય કર્યો, સુરત મ્યુનિ. કમિશનરને પણ ત્યાંની મોટી ક્લબોએ આપ્યું ધૂળેટી નહીં ઉજવવાનું વચન

આખરે… જિસ કા ડર થા, વોહી બાત હો ગઈ! ચૂંટણીમાં કોરોનાને ‘કચડી’ને ધામધૂમ કરનારા રાજકીય પક્ષો જીતી કે હારીને થાળે પડી ગયા એટલે કોરોનાની પાબંધી પાળવાની પ્રજા પર નોબત આવી છે. રાજ્ય સરકારે અમદાવાદ સહિત રાજ્યના ‘સંલગ્ન’ વડાઓ સાથે કોરોનાના વધતા કહેર સંદર્ભે ગઈકાલે કરેલી મિટીંગ બાદ આજે વાવડ મળે છે કે કોરોના વકરે નહીં તે માટે રાજ્યના રાજકોટ સહિતના મહાનગરોમાં હોળી-ધૂળેટીના મોટ્ટા-પાયે થનારા આયોજનો પર પાબંધી મૂકાશે. જોકે આવી જાહેરાત કરી પ્રજાનો ખૌફ વ્હોરી લેવાને બદલે સરકારે જે-તે પાર્ટી પ્લોટ કે ખાનગી ક્લબોના સંચાલકોના મોઢે જ સ્વૈચ્છિક જાહેરાતો કરાવવાની રણતીનિ અપનાવી છે. મુખ્યમંત્રીના ‘હોમ-ટાઉન’ રાજકોટમાં જો કે શેરી-ગલ્લી કે સોસાયટીઓમાં ધૂળેટી મનાવવાની આંશિક છૂટછાટ મળશે તેવું ગતકડૂૂં પણ વહેતું કરાયું છે. પરંતુ, આંશિક છૂટછાટની ‘પરિભાષા’ શું એ વિશે કોઈ છણાવટ થઈ નથી!

કોરોનાના વધતા કેસોની વચ્ચે અમદાવાદથી સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. આ વખતે કોરોનાના વધતા કેસની સીધી અસર હોળી ધૂળેટીની ઉજવણી પર પડવાની શરૂ થઇ ચૂકી છે. કોરોનાના કેસનો રાફડો ફાટતા આ વર્ષે ધૂળેટી ધામધૂમથી નહિ ઉજવાય. શહેરની બે સૌથી મોટી ક્લબ રાજપથ અને કર્ણાવતી કલબે ધુળેટીની ઉજવણી નહી કરવાનો નિર્ણય લીધો છે. કલબ મેમ્બરોને પોતાના ઘરે ધૂળેટી ઉજવવા અપીલ કરી છે. ગત વરસે પણ કોરોનાના કેસ વધતા કલબોમાં ધૂળેટીની ઉજવણી બંધ રહી હતી.

ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ સુરતમાં 196 નોંધાયા છે. જેના પગલે તંત્ર વધુ સાબદુ બન્યુ છે. સુરતમાં મોટા મોલ્સ અને શોપિંગ સેન્ટર બંધ કરાયા છે. ખાસ કરીને શાળા –

કોલેજોમાં કોરોના ટેસ્ટિંગની કામગીરી સઘન બનાવાઇ છે. શુક્રવારે સુરતની 37 શાળા- કોલેજોમાં વિધાર્થી- કર્મચારીઓનું ટેસ્ટિંગ કરાયું હતું. શુક્રવારે 2 હજાર 484 વિધાર્થીઓ અને કર્મચારીઓના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા જેમાંથી 6 વિધાર્થીઓ અને 2 શિક્ષકો કોરોના સંક્રમિત મળ્યા હતા. કોરોનાગ્રસ્ત શિક્ષકો અને વિધાર્થીઓને હોમ આઇસોલેશનમાં મોકલીને જે તે શાળાઓ બંધ કરવામાં આવી હતી.

નોંધનિય છે કે, રાજ્યમાં ફરીથી કોરોનાએ માથુ ઉચક્યું છે. રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના 700થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 715 કેસ નોંધાયા છે તો 495 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. સુરતમાં કોરોના વકરી રહ્યો છે. સુરતમાં 196 કેસ નોંધાયા છે તો અમદાવાદમાં 145 અને વડોદરામાં 117 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં 1-1 દર્દીનું મોત થયું છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુઆંકડ 4 હજાર 420 પર પહોંચ્યો છે. હાલ રાજ્યમાં 4 હજાર 6 એક્ટિવ કેસ છે. જેમાંથી 51 દર્દીઓ વેન્ટીલેટર પર છે. એક તરફ કેસ વધી રહ્યાં છે. બીજી તરફ વેક્સિનેશન પણ થઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1.49 લાખથી વધુ લોકોએ કોરોનાની રસી લીધી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો