ગુજરાતમાં RTIની માહિતી નહીં આપતા 126 ઓફિસરોનો રૂ. 10 લાખનો પગાર કપાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-03-2021

ગુજરાતમાં રાઇટ ટુ ઇન્ફર્મેશન એટલે કે આરટીઆઇનો સૌથી વધુ ઉપયોગ સરકારના ચાર વિભાગો સામે થાય છે. એક વર્ષના આંકડા જોતાં શહેરી વિકાસ, કૃષિ-સહકાર, ગૃહ અને મહેસૂલ વિભાગમાં ઢગલાબંધ ફરિયાદો ખડકાઇ છે.

સૌથી વધુ 40,000 જેટલસી અરજીઓ શહેરી વિકાસ વિભાગમાં થયેલી છે. બાકીના ત્રણ ક્રમમમાં 39,000 સાથે કૃષિ-સહકાર, 30,000 સાથે ગૃહ અને 15,000 મહેસૂલ વિભાગ આવે છે.એક વર્ષમાં આ ચાર વિભાગોમાં સવા લાખ જેટલી અરજીઓ થઇ છે જ્યારે બાકીના વિભાગોમાં માત્ર 25000 જેટલી અરજીઓ થયેલી છે. આરટીઆઇ એક્ટિવિસ્ટોના નિશાના પર આ ચાર વિભાગો છે કે જ્યાં 80.80 ટકા જેટલી અરજીઓ થાય છે.

ગુજરાત માહિતી આયોગના છેલ્લા રિપોર્ટમાં આ આંકડા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આ કાયદો 2005માં યુપીએ સરકાર દ્વારા લાવવામાં આવ્યો હતો પરંતુ સરકારના વિભાગોની પોલ ખોલતા આ કાયદાના કારણે રાજ્ય સરકારોએ આ કાયદા પર કેટલાક નિયંત્રણો મૂક્યાં છે, પરિણામે અપીલના કેસોની સંખ્યા વધી રહી છે.

ચોંકાવનારી બાબત એવી છે કે છેલ્લા એક વર્ષમાં અરજીઓની સંખ્યામાં 33000નો વધારો થયો છે. બીજી તરફ માગેલી માહિતી નહીં આપતાં રાજ્યના વિવિધ વિભાગો અને સરકારી કચેરીઓના 126 ઓફિસરો દંડાયા છે અને તેમના પગારમાંથી 10 લાખ રૂપિયા કાપી લેવામાં આવ્યા છે.

જો કે રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે એક વર્ષમાં આયોગને મળેલી અપીલના પ્રમાણમાં 21.85 ટકાનો ઘટાડો નોંધાયો છે. પાછલા વર્ષમાં 10462 અપીલ હતી જે રિપોર્ટના વર્ષમાં ઘટીને 8176 થઇ છે.

આ કાયદા વિશે જો વાત કરીએ તો તેના બે પાસા ખૂબ જ ચર્ચામાં રહે છે. એક પાસું છે તોડ કરવાના ઇરાદે માહિતી માગવી. ઘણા લોકોએ આને ધંધો બનાવી દીધો છે. એટલે તેને કારણે ઘણા સાચા લોકોને પણ માહિતી મળતી નથી. તો બીજી બાજુ એવા અધિકારીઓ પણ છે જેઓ જાણી જોઇને લોકોને માહિતી આપતા નથી. તેમણે કંઇ ખોટું કર્યું હોય છે એટલે કોઇ પણ કારણે લોકોને હેરાન કરે છે. એટલે ખોટું બન્ને બાજુએ થઇ રહ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો