દેશમાં મોંઘવારી તો કુદકે ને ભૂસકે વધી રહી છે. કરિયાણું, શાકભાજી, દૂધ જેવી જીવનજરૂરી વસ્તુઓ, એલપીજી, પેટ્રોલ-ડીઝલ સહિતની વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. આ બધામાં કરકસર કરીને જો તમે નવું ટીવી ખરીદવા માટે રૂપિયા બચાવી રાખ્યા છે તો તમારા વિચારને અમલમાં જલદી મૂકી દેજો. નહીં, તમારું બજેટ ખોરવાઈ જશે. કેમકે, આગામી મહિનાથી એલઈડી ટીવીના ભાવ વધવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
દેશમાં એલઈડી ટીવીની કિંમતો એપ્રિલથી વધી શકે છે, કેમકે ગત એક મહિનામાં ઓપન-સેલ પેનલ વૈશ્વિક બજારોમાં 35 ટકા સુધી મોંઘા થઈ ગયા છે. પેનાસોનિક, હાયર એન્ડ થોમસન જવી બ્રાન્ડ્સના અધિકારીઓએ સંકેત આપ્યો છે કે, એપ્રિલથી કિંમતો વધવાની તૈયારીમાં છે. એલજી જેવી કેટલીક કંપનીઓ પહેલા જ કિંમત વધારી ચૂકી છે.
પેનાસોનિક ઈન્ડિયા એન્ડ સાઉથ એશિયાના અધ્યક્ષ તેમજ મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) મનીષ શર્માએ કહ્યું કે, ‘પેનલની કિંમતો સતત વધી રહી છે અને એટલે ટીવીની કિંમતો વધી રહી છે. શક્યતા છે કે એપ્રિલ સુધી ટીવીની કિંમતોમાં હજુ વધારો થઈ શકે છે.’ વધારા અંગે પૂછવા પર તેમણે કહ્યું કે, ‘હાલના અનુમાનોને જોતાં એપ્રિલ સુધીમાં કિંમતોમાં 5-7 ટકાનો વધારો થઈ શકે છે.’
એ જ રીતે હાયર એપ્લાયન્સ ઈન્ડિયાના અધ્યક્ષ એરિક બ્રેગાંજાએ કહ્યું કે, કિમતો વધવા ઉપરાંત બીજો કોઈ રસ્તો નથી. તેમણે કહ્યું કે, ‘ઓપન-સેલની કિંમતોમાં જબરજસ્ત વધારો થયો છે. જો એ ચાલુ રહે છે, તો અમારે કિમતોમાં સતત વધારો કરવો પડશે.’ ઓપન-સેલ પેનલ ટીવી મેન્યુફેક્ચરિંગનો એક મહત્વપૂર્ણ ભાગ છે. કંપનીઓ એક ઓપન-સેલ સ્થિતિમાં ટીવી પેનલ આયાત કરે છે.
સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો