ચેક બાઉન્સ કેસનો આવશે ઝડપથી નિકાલ, સુપ્રીમ કોર્ટે લીધો મોટો નિર્ણય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-03-2021

સુપ્રીમ કોર્ટે ચેક બાઉન્સ કેસોના ઝડપી નિકાલ માટે એક સમિતિની રચના કરી છે. સરકાર સાથે સહમતિ સધાયા બાદ સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસએ બોબડેના કહેવા પ્રમાણે વિવિધ કોર્ટમાં પેન્ડિંગ કુલ કેસના આશરે 60 ટકા જેટલા કેસ નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ (NI Act) સાથે સંકળાયેલા છે.

ત્યાર બાદ CJI બોબડેની અધ્યક્ષતાવાળી 5 ન્યાયાધીશોની બંધારણીય પીઠે આ માટે નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અંતર્ગત ફોજદારી કેસોની ઝડપી સુનાવણી માટે સંબંધિત કેસ અંગે વિચાર કર્યો હતો અને ચેક બાઉન્સના પેન્ડિંગ કેસના ઝડપી નિવારણ માટે એક સમિતિની રચના કરી છે.

આ સમિતિ રાજ્ય સરકારો સહિતના અન્ય ભાગીદારો સાથે મળીને સૂચનો પર ધ્યાન આપશે અને 3 મહિનામાં સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. કેન્દ્રીય નાણા મંત્રાલયના નાણા વિભાગ ઉપરાંત વિવિધ કેન્દ્રીય મંત્રાલયના અધિકારીઓ પણ આ સમિતિમાં સામેલ થશે. સેવાનિવૃત્ત જસ્ટિસ આરસી ચૌહાણ આ સમિતિની અધ્યક્ષતા કરી રહ્યા છે. ઉપરાંત આરબીઆઈના ગવર્નર દ્વારા સૂચવવામાં આવેલો એક સદસ્ય પણ તેમાં સ્થાન પામશે.

ઉલ્લેખનીય છે કે, હાલ ચેક બાઉન્સને લગતા કેસની સંખ્યા 35 લાખને પાર પહોંચી ગઈ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો