સાસરિયાંમાં પત્નીને મારે કોઇપણ, જવાબદાર પતિ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-03-2021

પોતાની પત્નિની ધોલાઈના આરોપી વ્યકિતની સુપ્રિમ કોર્ટે ધરપકડથી પહેલા જામીન આપવાનો ઈન્કાર કર્યો છે. અદાલતે જણાવ્યુ છે કે, જો સાસરા પક્ષમાં મહિલાને માર મારવામાં આવે તો તેને થયેલી ઈજા માટે મુખ્યત્વે તેનો પતિ જવાબદાર રહેશે ભલે પછી સગા-વ્હાલાઓએ માર માર્યો હોય. અદાલત જે શખ્સની અરજી પર સુનાવણી કરી રહી હતી તે તેના ત્રીજા લગ્ન હતા અને મહિલાના બીજા.

લગ્નના એક વર્ષ બાદ 2018માં તેઓને એક બાળક થયુ હતું. ગયા વર્ષે જૂનમાં મહિલાએ લુધીયાણા પોલીસમાં પતિ અને સાસરા પક્ષવાળાઓ સામે ફરીયાદ નોંધાવી હતી. મહિલાનો આરોપ હતો કે દહેજની વધતી માંગણી પુરી ન કરી શકવા બદલ તેને તેના પતિ, સસરા અને સાસુએ ખૂબ માર માર્યો હતો.

જ્યારે પતિના વકીલ કુશાગ્ર મહાજને આગોતરા જામીન પર ભાર મુકયો તો મુખ્ય ન્યાયધીશ બોબડેના નેતૃત્વવાળી બેન્ચે કહ્યુ હતુ કે તમે કયા પ્રકારના મર્દ છો ? તેની પત્નીનો આરોપ છે કે તમે ગળુ દાબી તેનો જીવ લેવાના હતા. તેનુ એમ પણ કહેવુ છે કે તમે પરાણે ગર્ભપાત પણ કરાવ્યો હતો. તમે કયા પ્રકારના મર્દ છો કે પત્નીને ક્રિકેટના બેટથી માર મારો છો.

જ્યારે વકીલ મહાજને કહ્યુ હતુ કે મારા કલાયન્ટના પિતાએ બેટથી મહિલાની પીટાઈ કરી હતી તો અદાલતે કહ્યુ હતુ કે આનાથી ફર્ક નથી પડતો કે તમે પતિ હતા કે તેના પિતા

હતા કે જેમણે કથિત રીતે બેટથી તેમની ધોલાઈ કરી હતી. જ્યારે સાસરા પક્ષમા મહિલાને યાતના આપવામાં આવે છે તો મુખ્યત્વે જવાબદારી પતિની બને છે. અદાલતે એ શખ્સની અરજી ફગાવી દીધી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો