પોતાની કંપની શરૂ કરવી થઈ સરળ, કેન્દ્ર સરકારે ઓનલાઇન રજિસ્ટ્રેશનના નિયમોમાં કર્યા ફેરફાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-03-2021

કેન્દ્ર સરકાર છેલ્લા કેટલાક સમયથી નવા સ્ટાર્ટઅપ્સ (New Start-up) તેમજ ઉદ્યોગો (Industry) શરુ કરવાને લઈને સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત કેન્દ્ર સરકારે (Central Government) સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) શરુ કરવા માટેના રજિસ્ટ્રેશનને સરળ બનાવવા 1 જુલાઈ, 2020ના રોજ એક પોર્ટલ પણ લોન્ચ કર્યું હતું. આ પોર્ટલ થકી નવી કંપનીઓ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા સરળ થઇ ગઈ છે અને સમયની પણ બચત થઇ છે. કેન્દ્ર સરકારે 26 નવેમ્બર 2020એ જારી કરેલી નોટિફિકેશન મુજબ પોર્ટલ પર રજિસ્ટ્રેશન માટે GSTIN અનિવાર્ય હશે. ઉલ્લેખનીય છે કે આ નોટિફિકેશન 1 એપ્રિલ 2021ના રોજ લાગુ થશે.

આવા ઉદ્યમીઓને GSTINના કારણે થતી હતી સમસ્યા: કેન્દ્ર સરકારે GSTIN અનિવાર્ય કરાયું હતું. જેના કારણે ઘણા MSME સંગઠનોનું કહેવું હતું કે, GSTIN અનિવાર્ય કરવાથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા પર ખરાબ પ્રભાવ પડે છે. તેમના મુજબ, ઘણી એન્ટરપ્રાઈઝને GST રિટર્ન દાખલ કરવા અંગે છૂટ મળી છે. જયારે ઘણા MSMEનો વાર્ષિક કારોબાર એટલો ઓછો છે કે GST એક્ટ અંતર્ગત તેમને રજિસ્ટ્રેશનની જરૂર જ નથી. જેથી રજિસ્ટ્રેશનમાં GSTIN અનિવાર્ય કરવું હિતાવહ નથી.

અત્યાર સુધીમાં થયા 25 લાખ MSME રજિસ્ટ્રેશન: 5 માર્ચ, 2021એ MSME મંત્રાલયે જાહેર કરેલી નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, GST દાખલ કરનાર માટે GSTIN અનિવાર્ય રહેશે. જોકે, જેને GST દાખલ કરવામાં છૂટ મળી છે તેઓ રજિસ્ટ્રેશન દરમિયાન પોતાના PAN નંબરનો ઉપયોગ કરી શકશે. આ પોર્ટલ પર 5 માર્ચ 2021 સુધીમાં 25 લાખથી વધુ એમએસએમઈ રજિસ્ટ્રેશન થઇ ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પોર્ટલની મદદથી સંગઠિત ક્ષેત્રોમાં કામ કરનાર કલાકારો, હસ્તશિલ્પીઓને ઘણી મદદ મળી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો