આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે PM મોદીએ આપી શુભકામનાઓ, નારી શક્તિને કરી સલામ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-03-2021

દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day) ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ મહિલાઓના અધિકાર માટે આંદોલનનો પ્રતીક છે અને આ દિવસને ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય પણ મહિલાઓના અધિકારોને પ્રોત્સાહન આપવાનો છે. આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ દેશની મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ પાઠવતાં સલામ કરી છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતાં કહ્યું કે, ભારત આપણા રાષ્ટ્રની મહિલાઓની અનેક ઉપલબ્ધિઓ પર હંમેશાથી ગર્વ કરતું રહ્યું છે. આ અમારી સરકાર માટે સન્માનની વાત છે કે અમને વિભિન્ન ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણને આગળ ધપાવવા માટે કામ કરવાનો અવસર મળી રહ્યો છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ram Nath Kovind)એ પણ દેશવાસીઓને મહિલા દિવસની શુભકામનાઓ પાઠવી છે. રામનાથ કોવિંદે ટ્વીટ કરીને કહ્યું, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે તમામ દેશવાસીઓને મારી હાર્દિક શુભકામનાઓ. આપણા દેશની મહિલાઓ અનેક ક્ષેત્રોમાં ઉપલબ્ધિઓના નવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે. આવો આજના દિવસે આપણે સૌ મહિલાઓ તથા પુરુષોની વચ્ચે અસમાનતા પૂર્ણ રૂપે સમાપ્ત કરવાનો સામૂહિક સંકલ્પ લઈએ.

સંસદમાં મહિલાઓના પ્રતિનિધિત્વ જામનગરના સાંસદ પૂનમબેન માડમે પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામના પાઠવી હતી. પુનમબેને કહ્યું મહિલાઓના ગૌરવંતા એવા આજના દિવસે પરિવારથી માંડી રાષ્ટ્ર નિત્ય નવ્ય અને ગરિમામય પ્રગતિના પર્યાય બની, પ્રેરણા અને પ્રોત્સાહનનું પથ દર્શન કરતા રહી સમાજ માટે વિશિષ્ટ પ્રદાન કરતા રહીએ તેવી હ્યદયપુર્વકની શુભકામના..

નોંધનીય છે કે, આ વર્ષ માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ “Women in leadership: an equal future in a COVID-19 world” (મહિલા નેતૃત્વ- COVID-19ની દુનિયામાં એક સમાન ભવિષ્યને પ્રાપ્ત કરવું) રાખવામાં આવી છે.

આ થીમ COVID-19 મહામારી દરમિયાન સ્વાસ્થ્ય દેખભાળ, શ્રમિકો, ઇનોવેટર વગેરેના રૂપમાં દુનિયાભરમાં વિવિધ ઉંમરની મહિલાઓના યોગદાનને રેખાંકિત કરે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને થીમની સાથે પહેલીવાર 1996માં ઉજવવામાં આવ્યો આવ્યો. તે વર્ષે સંયુક્ત રાષ્ટ્ર એ તેના માટે થીમ રાખી હતી, ‘અતીતની ઉજવણી, ભવિષ્યની યોજના.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો