સરકાર ઈચ્છે તો પેટ્રોલની કિંમત ઘટીને સીધી 75 રુપિયા પ્રતિ લિટર થઈ શકે!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-03-2021

સરકાર ઈચ્છે તો પેટ્રોલના ભાવ 75 રુપિયા પ્રતિ લિટર થઈ શકે છે. હાલ પેટ્રોલ પર તેની મૂળ કિંમત કરતાં પણ ઘણો વધુ ટેક્સ લેવામાં આવે છે, જેને રાજ્ય તેમજ કેન્દ્ર એમ બંને સરકાર વસૂલે છે. પેટ્રોલ પર લાગતા વિવિધ ટેક્સ અને સેસને કારણે ભારત દુનિયાનો સૌથી મોંઘા ભાવે પેટ્રોલ-ડીઝલ વેચતો દેશ બની ગયો છે. જોકે, સરકાર જો પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લઈ આવે તો તેની કિંમતમાં મોટો ઘટાડો થઈ શકે તેમ છે.

SBIના એક અર્થશાસ્ત્રીના જણાવ્યા અનુસાર, ડીઝલ જીએસટીમાં આવી જાય તો તેની કિંમત માત્ર 68 રુપિયા પ્રતિ લિટર થઈ જાય. વળી, તેના કારણે સરકારની આવકમાં થનારો સંભવિત ઘટાડો પણ માત્ર 1 લાખ કરોડ અથવા જીડીપીના 0.4 ટકા જેટલો જ રહેશે. આ ગણતરી અર્થશાસ્ત્રી દ્વારા ક્રુડની કિંમત 60 ડોલર પ્રતિ બેરલ અને 1 ડોલર બરાબર 73 રુપિયા ધારીને કરવામાં આવી હતી.

હાલ દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પર અલગ-અલગ દર અનુસાર વેટ લેવામાં આવે છે. કેન્દ્ર સરકાર પણ તેના પર એક્સાઈઝ ડ્યૂટી, સેસ તેમજ અન્ય પ્રકારના ટેક્સ ઉઘરાવે છે. જેના કારણે દેશના કેટલાક હિસ્સામાં પેટ્રોલની કિંમત 100 રુપિયા પ્રતિ લિટરના સ્તરને આંબી ગઈ છે, જે ચિંતાનો વિષય છે.

જીએસટી ફ્રેમવર્ક અનુસાર, SBIના અર્થશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, પેટ્રોલ અને ડીઝલને તેમાં સામેલ કરવાના હજુય બાકી છે. જો આ કામ થઈ જાય તો પેટ્રોલ-ડીઝલની કિંમતમાં મોટો ઘટાડો આવી શકે છે. જોકે, કેન્દ્ર અને રાજ્યો માટે પેટ્રોલ અને ડીઝલ પર લાગતા કરવેરા આવકનું ખૂબ જ મોટું સાધન હોવાથી તેને જીએસટીમાં લાવવા માટેની રાજકીય ઈચ્છા શક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે.

અર્થશાસ્ત્રીઓનું એવું પણ કહેવું છે કે, ક્રૂડની કિંમતમાં જો 10 ડોલરનો ઘટાડો થાય તો તેનો લાભ ગ્રાહકોને આપવાને બદલે સરકાર પેટ્રોલ-ડીઝલની એક નિશ્ચિત કિંમત જાળવી રાખે. જેનાથી કેન્દ્ર અને રાજ્ય સરકારો 18 હજાર કરોડ રુપિયા જેટલી બચત કરી શકે છે. એક અંદાજ અનુસાર, ક્રૂડની કિંમત 1 ડોલર વધે તો પેટ્રોલની કિંમતમાં 50 પૈસા અને ડીઝલની કિંમતમાં 1.50 રુપિયાનો વધારો થાય છે.

હાલ વિવિધ રાજ્ય સરકારો સેસ, એક્સ્ટ્રા વેટ સહિતના ટેક્સ પેટ્રોલ-ડીઝલ પર વસૂલે છે. ક્રૂડની કિંમત, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ, ડીલર કમિશન અને કેન્દ્ર દ્વારા લેવાતી એક્સાઈઝ ડ્યૂટીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારો પોતાના ટેક્સના દર નક્કી કરે છે. જો પેટ્રોલ-ડીઝલ જીએસટી હેઠળ આવી જાય તો રાજ્ય સરકારોને સૌથી મોટું નુક્સાન થાય. જોકે, તેના લીધે પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 30 રુપિયા સુધી ઘટી જાય.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો