ગુજરાત સરકારના 60 વર્ષથી વધુ વયના મંત્રીઓ ક્યારે લેશે કોરોના વેક્સીન?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-03-2021

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામાન્ય નાગરિકની જેમ કોરોના વેક્સીન લીધા પછી હવે સૌ કોઈની નજર રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓ પર રહેલી છે. સીએમ વિજય રૂપાણી 15-20 દિવસો પછી કોરોનો વેક્સીન લેશે. તેઓ થોડા દિવસો પહેલા કોરોના પોઝિટિવ થયા હોવાથી તે હાલ વેક્સીન લઈ શકે નહીં.

કોવિડ પ્રોટોકોલ પ્રમાણે તેમને 15 થી 20 દિવસ પછી વેક્સીન આપવામાં આવશે. ત્યારે વિધાનસભાના બજેટ સત્રની શરૂઆતમાં જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવો કર્યો કે 60 વર્ષથી વધુ વયના તમામ લોકો જ્યાં ઈચ્છે ત્યાં વેક્સીન લઈ શકે છે. સરકારી હોસ્પિટલમાં નિઃશુલ્ક રસીકરણ થઈ રહ્યું છે જ્યારે ખાનગી હોસ્પિટલમાં 250 રૂપિયાના ચાર્જથી ડોઝ અપાઈ રહ્યો છે.

પ્રધાનમંત્રી મોદીએ સ્વદેશી રસી લઈને લોકોને જાગૃત કરવા સાથે વિપક્ષને પણ જવાબ આપ્યો છે ત્યારે હવે રાજ્યના નેતાઓ પણ આ અંગે જાગૃતિ લાવે તે જરૂરી છે.

જોકે રાજ્ય સરકારે આ મામલે કોઇ રોડમેપ તૈયાર કર્યો નથી અથવા તો જાહેરાત કરવા તૈયાર નથી. પ્રધાનમંત્રી મોદી બાદ તેમના મંત્રીમંડળના અન્ય સભ્યો પણ રસી લઈ રહ્યા છે. ઓરીસ્સાના મુખ્યમંત્રીએ પણ રસી લઈ લીધી છે. ગુજરાત સરકારે હજુ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. નાયબ મુખ્યમંત્રી કહી રહ્યા છે કે નેતાઓ ભાજપના હોય કે કોંગ્રેસના 60 વર્ષથી વધુ વયના તમામ લોકો પોતે ઈચ્છે ત્યાં રસી લઈ શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો