તો…પેટ્રોલ-ડીઝલની કિંમત અડધી થઇ શકે છે, સરકાર આ વિકલ્પ પર કરી રહી છે વિચાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-02-2021

પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવને કારણે કેન્દ્ર સરકારે બંનેને જીએસટી હેઠળ લાવવાનો સંકેત આપ્યો છે. જો જીએસટીના સૌથી ઉપરના સ્લેબમાં પેટ્રોલ-ડીઝલને લાવવામાં આવે તો પણ કિંમતો અડધી થઈ જાય

પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel)ની કિંમત આકાશને સ્પર્શી રહી છે. જો કેન્દ્ર સરકાર પેટ્રોલિયમ પેદાશોને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના દાયરામાં લાવી દે તો આમ આદમીને મોટી રાહત મળી શકે છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને (Petroleum Minister Dharmendra Pradhan) આ વાતનો સંકેત આપ્યો છે. જો જીએસટીના મહત્તમ દર પર પેટ્રોલ અને ડીઝલને રાખવામાં આવે તો પણ બંનેની કિંમત ઘટીને વર્તમાન કિંમતથી અડધી થઈ જાય.

હાલમાં પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી અને રાજ્ય સરકારો વેટ વસૂલ કરે છે. આ બંને ટેક્સ એટલા છે કે 35 રૂપિયાનું પેટ્રોલ દેશના અલગ અલગ ભાગમાં 90થી 100 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી જાય છે. 23 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 90.93 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 81.32 રૂપિયા પ્રતિ લીટર છે. જેના પર કેન્દ્ર સરકાર ક્રમશ: 32.98 રૂપિયા પ્રતિ લીટર અને 31.83 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યુટી વસૂલ કરે છે. દેશમાં 1 જુલાઇ, 2017ના રોજ જીએસટી અમલમાં આવ્યો હતો. આ સમયે પેટ્રોલ-ડીઝલને તેમાંથી બાકાત રખાયા હતા. હવે નાણા મંત્રીએ પેટ્રોલ-ડીઝલની કિંમતો નીચે લાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સંયુક્ત સહયોગનું આહવાન કર્યું છે.

જો પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટી હેઠળ લાવવામાં આવે તો દેશમાં ઇંધણની કિંમત એક સરખી થઈ જશે. જો જીએસટી પરિષદ ઓછા સ્લેબની પસંદગી કરે તો કિંમત ખૂબ ઘટી શકે છે. હાલમાં જીએસટીના ચાર સ્લેબ છે. જેમાં 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા શામેલ છે. હાલ કેન્દ્ર અને રાજ્ય સરકારો એક્સાઇઝ ડ્યુટી અને વેટના નામે 100 ટકાથી વધારે ટેક્સ વસૂલ કરે છે.

સરકારને આવકની ચિંતા: કેન્દ્ર સરકાર માટે પેટ્રોલિયમ પેદાશો પર એક્સાઇઝ ડ્યુટી આવકનું મુખ્ય સાધન છે. આથી જીએસટી કાઉન્સિલ પેટ્રોલ અને ડીઝલને મહત્તમ સ્લેબમાં રાખી શકે છે. જે બાદમાં પણ તેના પર ઉપ-કર લગાવવામાં આવી શકે છે. સરકારી આંકડા પ્રમાણે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં પેટ્રોલિયમ ક્ષેત્રથી સરકારી ખજાનામાં 2,37,338 કરોડ રૂપિયા આવ્યા હતા. જેમાં 1,53,281 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારના અને 84,057 કરોડ રૂપિયા રાજ્ય સરકારોના હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો