ખાનગી હોસ્પિટલોમાં ચાર્જ લઇને કોરોનાની રસી અપાશે: વેકસીનેશન ખુલ્લુ કરતી સરકાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-02-2021

આગામી બે કે ત્રણ દિવસમાં સરકાર વેકસીનનો ભાવ જાહેર કરશે : તા.1 માર્ચથી 60 વર્ષથી ઉપરના અને ગંભીર રોગથી પીડાતા 45 વર્ષ કે તેથી વધુની વયના વ્યકિતને વેકસીન અપાશે : 20 હજાર ખાનગી હોસ્પિટલોને સામેલ કરતી સરકાર : 10 હજાર સરકારી કેન્દ્ર પર ફ્રીમાં વેકસીન મળશે

દેશમાં તા.1 માર્ચથી વેકસીનેશનનો નવો તબક્કો શરૂ થશે તેમાં 60 વર્ષથી ઉપરના 10 કરોડ લોકોને વેકસીન આપવાનો સરકારે આયોજન કર્યુ છે. જયારે સાથો સાથ ગંભીર બિમારીથી પીડાતા 45 વર્ષ કે તેથી વધુ વ્યકિતને વેકસીન અપાશે. કેન્દ્રના આઇ.ટી. મંત્રી શ્રી રવિશંકર પ્રસાદે આજે આ જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે 10 હજાર સરકારી કેન્દ્ર અને 20 હજાર ખાનગી હોસ્પિટલો વેકસીનેશન કરવામાં આવશે. આમ સરકારે પ્રથમ વખત ખાનગી ક્ષેત્રને પણ વેકસીનેશનમાં સામેલ કર્યુ છે. શ્રી પ્રસાદે જણાવ્યું કે સરકારી કેન્દ્રમાં મફતમાં વેકસીન અપાશે. જયારે ખાનગી કેન્દ્રમાં વેકસીન લેનારે ચાર્જ ચૂકવવો પડશે અને તેનો ચાર્જ કેટલો હશે તે બે કે ત્રણ દિવસમાં જાહેર કરવામાં આવશે.

આમ સરકારે પ્રથમ વખત વેકસીનેશનમાં ચાર્જની જાહેરાત કરી છે અને તેથી ખાનગી હોસ્પિટલમાં જઇને કોઇપણ વ્યકિત પોતાને વેકસીન કરાવી શકશે. શ્રી પ્રસાદે કહ્યું કે જે કંઇ ચાર્જ હશે તે વ્યાજબી હશે અને જેઓને ચાર્જ ન દેવાનો હોય તેઓ સરકારી કેન્દ્રમાં જઇને વેકસીન મેળવી શકશે.

દેશમાં વેકસીનેશન તા.16 જાન્યુઆરીથી ચાલુ થયા બાદ પ્રથમ વખત સરકારે હવે ખાનગી ક્ષેત્રને પણ વેકસીનેશનમાં સામેલ કર્યુ છે અને તે પણ ચાર્જ સાથે ખાનગી ક્ષેત્રે વેકસીન આપશે. જો કે તેમાં કઇ વેકસીન મળશે તે અંગે હજુ જાહેરાત થઇ નથી. વેકસીનેશન તા.16 જાન્યુઆરીથી શરૂ થયેલા તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને વેકસીન આપવાનો જે પ્રોગ્રામ હતો તેમાં સરેરાશ 60 થી 70 ટકાને આવરી શકાયા છે અને હવે વેકસીનેશન બધા માટે ખુલ્લુ કરવામાં આવશે. દેશમાં વેકસીનનો મોટો જથ્થો છે. જો કે સરકારે જાહેર કર્યુ છે તેમ હાલ જે ટાર્ગેટ વર્ગ છે તેને જ વેકસીન અપાશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો