મહા નગરપાલિકાની ચૂંટણીમાં સૂપડાં સાફ થયા પછી હવે કોંગ્રેસને જી.પં ., તા.પં. ચૂંટણીમાં પણ હારનો ડર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-02-2021

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 6 મહાનગર પાલિકામાં સુપડા સાફ થઈ ગયા બાદ હવે કોંગ્રેસને ડર સતાવી રહ્યો છે કે ચૂંટણીના આગામી રાઉન્ડમાં પંચાયત અને નગરપાલિકામાં આ પરિણામની અસર દેખાશે અને 28મી ફેબ્રુઆરીએ થનારા આ મતદાનમાં પણ કોંગ્રેસને ઝટકો પડી શકે છે.

કોંગ્રેસ આમ પણ આ 6 મહાનગરપાલિકામાં વિરોધ પક્ષમાં જ હતી જોકે આ વખતે તો રાજ્યમાં કોંગ્રેસનો એવો રકાસ નીકળ્યો છે કે વિરોધ પક્ષના નેતાની પોસ્ટ મેળવવા માટે પણ ક્વોલિફાય નથી થતી. 2015માં આવેલી ત્રણ આંકડાની 175 બેઠકોમાંથી આ વખતે પાર્ટી બે આંકડાની 55 બેઠકો પર સજ સમેટાઈ ગઈ છે. આ ચૂંટણીમાં કોંગ્રેસેને 120 બેઠકોનું નુકસાન થયું છે. જ્યારે તે પૈકી આમ આમદી પાર્ટીએ પોતાના ફાળે 27 બેઠકો ભેગી કરી છે તો ઓવેસીની AIMIM દ્વારા મુસ્લિમ બહુલ વિસ્તારોમાં સારું પ્રદર્શન કરતા 7 બેઠકો પર કબ્જો જમાવ્યો છે. જ્યારે બાકીની બેઠકો ભાજપ લઈ ગયું છે.

કોંગ્રેસને પહેલાથી જ એ વાતનો ભય હતો કે જો મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ પહેલા જાહેર કરી દેવામાં આવશે તો 28મી તારીખે યોજાનાર 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાઓની ચૂંટણી પર તેની અસર જોવા મળશે. જેના કારણે તેણે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત લડી હતી કે મહાનગરપાલિકાનું પરિણામ પણ જિલ્લા અને તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીના પરિણામ સાથે જ જાહેર કરવામાં આવે જોકે કોંગ્રેસના બદનસીબ કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બંને તરફથી કોંગ્રેસની આ અરજીને નિષ્ફળતા જ સાંપડી હતી.

મહત્વનું છે કે 2015માં પંચાયતોમાં ભાજપ કરતા કોંગ્રેસે ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. હા તે સમયે પણ મહાનગરપાલિકાઓ ભાજપના જ ફાળે રહી હતી પરંતુ અહીં જીત ખૂબ જ પાતળી સરસાઈથી મળી હતી. જ્યારે આ વખતે 6 મહાનગરપાલિકાઓમાં બંપર જીત સાથે ભાજપે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ગુજરાતના શહેરી મતદારો તેની સાથે જ છે. ગુજરાત વિધાનસભાની કુલ 44 બેઠકો આ શહેરી વિસ્તારોમાં આવેલી છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પાટીદાર અનામત આંદોલનના કારણે નુકસાન ભોગવવું પડ્યું હતું. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસને ફાયદો થયો હતો. જોકે તે પછી પણ શહેરી વિસ્તારમાં ભાજપની સ્થિતિને કોઈ ફરક પડતો નથી.

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, ‘અમે આવી કારમી હાર ક્યારેય અપેક્ષિત કરી નહોતી. આ અમારા માટે હવે જાગી જવાનો સંકેત છે. 2017માં પણ અમે વિધાનસભા ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું અને સરકાર બનાવવાથી હાથવેંત છેટું પડ્યું હતું. તેનું કારણ પણ અમને શહેરી વિસ્તારમાં પૂરતી જીત નહોતી મળી તેનું છે. અમને લાગે છે કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં જીતવા માટે પક્ષે શહેરી વિસ્તારમાં વધુ કામ કરવું પડશે અને પોતાની હાજરી દાખવવી પડશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો