આજે ફેંસલો : કોણ નાથ કોણ અનાથ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-02-2021

ગુજરાતના શહેરી વિસ્તારોમાં થયેલા મતદાને કેટલાક સવાલો ઊભા કર્યા છે ને સૌથી મોટો સવાલ એ છે કે, ગુજરાતના શહેરી મતદારોએ મતદાન કરવામાં કેમ રસ બતાવ્યો જ નહીં ? મતદારો શા માટે મતદાન કરવા તરફ સાવ ઉદાસીન રહ્યા છે ? મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં રસ કેમ જ રહ્યો નહીં?

કંઈ લાખ પ્રયાસો કરવા છતાં રાજકોટ, ભાવનગર, જામનગર, અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગરપાલિકા માટે થયેલા ઓછા મતદાને તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોની ઊંઘ ઉડાડી દીધી છે. હવે સૌની નજર આવતીકાલે મતપેટી (ઈવીએમ) ખૂલે તેના પર મંડાયેલ છે. આ વખતે ગુજરાતની તમામ મહાનગરપાલિકામાં પ્રથમવાર એન્ટી ઈન્કબન્સી (સરકાર વિરોધી જૂવાળ) જેવા માહોલ અને આમ આદમી પાર્ટી જેવા અસરદાર વિકલ્પ વચ્ચે યોજાયેલા મતદાને ભારે રહસ્ય સર્જ્યું છે. જો કે ભાજપ કહે છે કે, કુલ મતદાનના 60 ટકા અમારી ફેવરમાં થયું છે, કેમ કે અમારા સંગઠનો કમિટેડ વોટીર્સને મત-બૂથ સુધી લઈ જવામાં સફળ રહ્યા છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, પ્રજાએ ઓછું મતદાન કરી શાસક પક્ષ પ્રત્યે નારાજગી દર્શાવી પરિણામે અમારી જીત નિશ્ર્ચિત છે.. આમ ઓછા મતદાને સહુ પરેશાન પણ છે અને આશાવાદી પણ છે.

ગુજરાતમાં હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે ને રવિવારે છ મહાનગરપાલિકાઓમાં મતદાન હતું. ગુજરાતમાં કુલ આઠ મ્યુનિસિપલ કોર્પોરેશન છે ને તેમાંથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એ છ કોર્પોરેશન માટે રવિવારે લોકોએ મત આપ્યા. આ મતદાનની ટકાવારીએ બધા રાજકીય પક્ષોને સ્તબ્ધ કરી નાંખ્યા છે કેમ કે મતદાનની ટકાવારી માંડ ચાલીસેક ટકાની આસપાસ રહી છે. મતદાનની ટકાવારી ચાલીસેક ટકાની આસપાસ પહોંચી તેનું કારણ પણ ભાવનગર અને જામનગર એ બે શહેરો છે. આ બે શહેરોમાં મતદાનની ટકાવારી ઉંચી છે તેથી સરેરાશ થોડી ઊંચી આવી ગઈ છે. ભાવનગર અને જામનગર બંને ગુજરાતનાં છ શહેરોમાં સૌથી નાનાં છે અને બાકીનાં ચાર મોટાં શહેરોની ટકાવારી તો બહુ ઓછી છે.

ગુજરાતમાં છેલ્લે 2015માં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એ છ મહાનગરપાલિકાઓ માટે મતદાન થયેલું ને એ વખતે પણ મતદાનની ટકાવારી બહુ વખાણવા જેવી નહોતી. એ વખતે પણ આ છ શહેરોમાં માત્ર 48.60 ટકા જેટલું નીચું મતદાન થયું હતું પણ આ વખતે તો તેના કરતાં પણ ઓછું મતદાન થયેલું. એ વખતે મોટાં શહેરો પૈકી સુરતમાં 40 ટકાથી પણ ઓછું એટલે કે 39.64 ટકા મતદાન થયેલું પણ બાકીનાં શહેરોમાં ઠીક ઠીક કહેવાય એટલું મતદાન થયું હતું. અમદાવાદમાં 46.60 ટકા, રાજકોટમાં 49.53 ટકા, વડોદરામાં 50 ટકા, ભાવનગરમાં 47.45 ટકા જ્યારે જામનગરમાં 48 ટકા જેટલું મતદાન થયું હતું. આ વખતે આ મોટાં શહેરોમાં સરેરાશ પાંચથી દસ ટકા ઓછું મતદાન થયું છે.

ગુજરાતમાં હજુ ત્રણ મહિના પહેલાં જ વિધાનસભાની આઠ બેઠકો માટે પેટાચૂંટણી થઈ હતી. રાજ્યની આઠ વિધાનસભા બેઠકો પરથી જીતેલા ધારાસભ્યોએ રાજયસભાની ચૂંટણી ટાણે રાજીનામા આપીને ભાજપનો પડખામાં ભરાવાનું પસંદ કર્યું તેના કારણે ચૂંટણીની નોબત આવી હતી. કોરોના રોગચાળાના કારણે લોકોમાં ફફડાટ હતો એ માહોલમાં ગુજરાતની આ આઠ વિધાનસભા બેઠકો પર નવેમ્બર મહિનામાં ચૂંટણી થયેલી ને એ વખતે 61 ટકા જેટલું મતદાન થયું હતું. ત્રણ મહિના પહેલાં કોરોનાનો કેર સાવ પત્યો નહોતો ને છતાં 50 ટકા જેટલું મતદાન થયું એ સારું જ કહેવાય. તેની સરખામણીમાં આ મતદાન ઓછું કહેવાય. આઠ વિધાનસભા બેઠકો પૈકી મોટા ભાગની ગ્રામીણ વિસ્તારમાં હતી જ્યારે રવિવારે શહેરી વિસ્તારોમાં મતદાન થયું એ કારણને ધ્યાનમાં લઈએ તો પણ વીસ ટકાનો ફરક બહુ મોટો કહેવાય. ચાલીસ-પચાસનો ગાળો હોય તો હજુ સમજી શકાય પણ આ ગાળો બહુ મોટો છે. રવિવારના મતદાન કરતાં આઠ વિધાનસભા બેઠકોમાં 50 ટકા મતદાન વધારે થયું હતું ને આ ફરકને અવગણી શકાય તેમ નથી.

ગુજરાતના શહેરી વિસ્તારોમાં થયેલા મતદાને કેટલાક સવાલો ઊભા કર્યા છે ને સૌથી મોટો સવાલ

એ છે કે, ગુજરાતના શહેરી મતદારોએ મતદાન કરવામાં કેમ રસ બતાવ્યો જ નહીં ? મતદારો શા માટે મતદાન કરવા તરફ સાવ ઉદાસીન રહ્યા છે ? મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં રસ કેમ જ રહ્યો નહીં?

બીજો સવાલ એ કે, મતદારો મતદાન કરવાથી અળગા રહ્યા તો રહ્યા પણ રાજકીય પક્ષોએ પણ મતદાન કરાવવા માટે મહેનત કેમ ના કરી? સામાન્ય સંજોગોમાં રાજકીય પક્ષોના કાર્યકરો વધારે ને વધારે પ્રમાણમાં મતદાન કરવા માટે મચી પડતા હોય છે. તેમની મહેનતના કારણે મતદાનની ટકાવારીમાં દસેક ટકાનો ફરક પડી જ જતો હોય છે. આ વખતે રાજકીય કાર્યકરોએ પણ મહેનત ના કરી ને તેમણે પણ મતદારોને બૂથ લગી લાવવા માટે મહેનત ના કરી. તેનો અર્થ એવો થાય કે, ગુજરાતમાં રાજકીય પક્ષના કાર્યકરોને પણ ચૂંટણીમાં રસ નથી રહ્યો ?

ગુજરાતમાં 6 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વધુ મતદાન અને ભાજપના ભવ્ય વિજય માટે ભાજપ પ્રમુખ પાટીલે ગોઠવેલી પેજ-પ્રમુખની ફોમ્ર્યુલા ફેલ થઈ રહી હોવાનું જણાઈ રહ્યું છે. 6 મહાનગરપાલિકામાં ઓછા મતદાને ભાજપના નેતાઓને દોડતા કરી દીધા છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેજ-પ્રમુખો અને મતદારોને લખેલા પત્રની પણ અસર જોવા મળી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેજ-પ્રમુખનો પત્ર લખ્યો હતો.

ગુજરાત ભાજપના પ્રદેશ-પ્રમુખ સી આર પાટીલે ચૂંટણી માટેની વ્યૂહરચના ગોઠવી હતી. જેમાં પેજ પ્રમુખો અને પેજ સમિતિઓ બનાવી હતી, જેના કારણે ભાજપની પ્રદેશ નેતાગીરીએ ગ્રાસ રૂટના પેજ પ્રમુખોના સહારે મતદાન માટેની સ્ટ્રેટેજી ગોઠવી હતી. પરંતુ વહેલી સવારથી જ 6 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કંગાળ મતદાન શરૂ થતાં ભાજપના સ્થાનિક નેતાઓને દોડતા કર્યા હતા. પણ પેજ-પ્રમુખો અને પેજ સમિતિના સભ્યો એકદમ નિષ્ક્રિય બની જતા ભાજપમાં ભય ફેલાઈ ગયો હતો. તે જોતા ભાજપના પ્રમુખ પાટીલની પેજ પ્રમુખની ફોમ્ર્યુલા ફેલ જઈ રહી હોવાનું બહાર આવી રહ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો