ચૂંટણી પછીના પરિણામોમાં કોરોના સૌથી આગળ!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-02-2021

કોરોના સંક્રમણ ફરથી ઝડપભેર વધી રહ્યું છે તે ભારે ચિંતાનો વિષય છે. મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં સંક્રમણ વધવાથી કેન્દ્ર સરકારના માથાનો દુખાવો વધ્યો છે. મહારાષ્ટ્રમાં રોજ સરેરાશ હજારની સંખ્યામાં કોવિડ-19ના નવા કેસો આવી રહ્યા છે. કેરળમાં પણ એટલી જ સંખ્યામાં નવા દર્દીઓ જણાયા છે અને સંક્રમણથી 15 જણનાં મૃત્યુ થયાં છે. ગુજરાતમાં પણ કોવિડ-19ના 300થી વધુ કેસ સામે આવ્યા છે. જો કે ત્યાં કોઈનું મૃત્યુ થયું નથી. આખી દુનિયા અનુભવથી શીખી કે કોઇપણ મહામારીની બીજી લહેર વધુ ખતરનાક હોય છે. સ્પેનિશ ફ્લૂ અને કોરોના મહામારીએ આ વાત પર મહોર મારી છે. આ બન્ને મહામારીએ 100 વર્ષના અંતરે દુનિયાના કરોડો લોકોના જીવ લીધા છે. ધ ઈકોનોમિસ્ટએ દુનિયાભરના 46 દેશોમાં કોરોના મહામારીનો અભ્યાસ કર્યો છે અને મરણોનું વિશ્લેષણ કર્યું છે. તેના પરથી એક વાત સિદ્ધ થઈ છે કે જે દેશોમાં કોરોનાની બીજી લહેર આવી છે ત્યાં હાહાકાર મચી ગયો છે. કોરોના વાયરસની બીજી લહેરથી સૌથી પ્રભાવિત યુરોપિયન દેશો થયા છે. બ્રિટન, ફ્રાન્સ, બેલ્જિયમ, ઈટલી, નેધરલેન્ડ, સ્પેન અને સ્વીડનમાં કોરોનાની બીજી લહેરે વિનાશ કર્યો છે. અમેરિકામાં પણ ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે આવેલી કોરોનાની બીજી લહેરે લાખો લોકોને મૃત્યુના મુખમાં ધકેલી દીધા છે.

ભારતમાં યુરોપીય દેશો જેવી સ્થિતિ નથી, પરંતુ બેદરકાર રહીને કોરોનાના નિયમો પાળવાની ઉપેક્ષા કરવાથી અથવા રસીકરણથી દૂર રહેવાથી સ્થિતિ ગંભીર બની શકે છે. કેન્દ્ર સરકારે જે રાજ્યોમાં કોરોના સંક્રમણે માથું ઊંચકયું છે તેમને આરટી-પીસીઆર પરીક્ષણોના વધતા જતા પ્રમાણ પર ધ્યાન કેન્દ્રિત કરીને સમગ્ર પરીક્ષણમાં સુધારો કરવા માટે સલાહ આપી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની માર્ગદર્શિકામાં સ્પષ્ટ જણાવાયું છે કે આ વાયરસ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે. એક અભ્યાસ જણાવે છે કે કોવિડના પરીક્ષણમાં મહારાષ્ટ્રમાં 50 ટકા અને પંજાબમાં 35 ટકાનો ઘટાડો થયો છે. આના પરથી લાગે છે લોકોથી લઈને સરકારો અને તંત્રોમાં મહામારી પ્રત્યે પહેલાં જેવું આકરું વલણ નથી રહ્યું. આવી સ્થિતિમાં વધતું જતું સંક્રમણ ફક્ત લોકો માટે તો ડરામણું છે જ, પરંતુ સરકારને પણ તેનાથી નિર્ણયો લેવામાં મુશ્કેલી ઉભી થઈ શકે છે. દેશમાં રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. હવે અધિકથી અધિક લોકો રસીકરણમાં ભાગ લે તે માટે પ્રજાને પ્રોત્સાહિત કરવાની તાતી આવશ્યકતા છે. અલબત્ત આની સાથોસાથ હાથ ધોવા, માસ્ક લગાડવો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવા દિશાનિર્દેશોનો ગંભીરતાથી અમલ કરવાની પણ એટલી જ જરૂર છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો