ગુજરાતના 4755 વકીલોને એડવોકેટ વેલફેર ફંડના સભ્યપદેથી હટાવાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-02-2021

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે રાજ્યના 4755 વકીલોને એડવોકેટ વેલફેર ફંડના સભ્યપદેથી હટાવ્યા છે. સભ્ય પદ ગુમાવનાર ધારાશાસ્ત્રીઓના વારસદારો મૃત્યુ સહાય મેળવવા માટે હક્કદાર રહેશે નહીં. આ સભ્યોએ મૃત્યુ સહાય મેળવવા નવેસરથી વેલ્ફેર ફંડ સ્ક્રીમના સભ્ય બનવું પડશે. વારંવાર વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરી જવા માટે તાકીદ કરવા છતાં ફી ન ભરનારને સભ્ય પદેથી દુર કરાયા છે.

તાજેતરમાં મળેલી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સાધારણ સભાએ આ નિર્ણયને બહાલી આપી છે. ગુજરાત બાર કાઉન્સિલમાં કુલ 92,000 જેટલા એડવોકેટ છે. જેમાંથી 42,000 જેટલાં વેલ્ફેર ફંડના સભ્ય બન્યા હતા. તેમાંથી 13,070એ વર્ષ 2008થી 2013ની વેલ્ફેર ફંડની પાંચ વર્ષના ગાળા માટેની રિન્યુઅલ ફી ભરી નહોતી. જેથી બાર દ્વારા ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ એક્ટ 1991 હેઠળ રિન્યુઅલ ફી ન ભરતાં શો-કોઝ નોટીસ આપી હતી.

જેમાંથી 8206 જેટલાં ધારાશાસ્ત્રીઓએ ફી ભરી. બાકીના 4864 જેટલાં ધારાશાસ્ત્રીઓએ વેલ્ફેર ફંડની રીન્યુઅલ ફી ન ભરતાં તા.1/1/21ના રોજ કલમ 16 -એ હેઠળ જાહેર નોટીસ આપીને 30 દિવસમાં યોગ્ય કારણો દર્શાવી બારના સેક્રેટરીને મળીને વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફીની રકમ જમા કરાવવા આદેશ કર્યો હતો. તે બાદ 109 સભ્યઓએ પહેલાં અને બીજા ગાળાની રિન્યુઅલ ફી ભરી હતી. અને બાકીની રિન્યુઅલ ફી ભરેલી નહીં.

જેથી 4755 ધારાશાસ્ત્રીઓને સભ્યપદેથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. સામાન્ય સભામાં અનિલ સી. કેલ્લાં, દિપેન દવે, સી.કે. પટેલ, હિરાભાઇ એસ. પટેલ, અનિરુધ્ધસિંહ એચ. ઝાલા, ગુલાબખાન પઠાણ, કરણસીંહ બી. વાઘેલા, જીતેન્દ્ર ગોળવાળા, મનોજ એમ. અનડકટ, રમેશચંદ્ર એન. પટેલ, નલીન ડી. પટેલ, કિશોરકુમાર આર. ત્રિવેદી, રમેશચંદ્ર જી. શાહ, પરેશ આર. જાની તથા મુકેશ કામદાર સહિતના સભ્યોએ હાજર રહીને ચર્ચામાં ભાગ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, બાર કાઉન્સિલના વર્ષે અંદાજે 250થી 300 જેટલાં ધારાશાસ્ત્રીઓ અવસાન પામે છે. જે મુજબ રૂ.8 કરોડ જેટલી રકમ વારસદારોને ચૂકવાઈ છે. અત્યારસુધીમાં 50 કરોડથી વધુની રકમ મૃત્યુ સહાય પેટે ચૂકવાઈ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો