રાજકોટ: કોંગ્રેસમાં ચૂંટણી ટાણે મોટું ભંગાણ, મહામંત્રીનું રાજીનામું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-02-2021

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે એમ રાજીનામા અને પક્ષ પલટાની મૌસમ પણ ખીલી ઊઠી છે. જોકે, કોંગ્રેસ માટે આ ચૂંટણી માથાના દુખાવા સમાન બની હોય એવું લાગી રહ્યું છે. ટિકિટ વિતરણ બાદ કોંગ્રેસમાં અંદરઅંદર ડખા શરૂ થઈ ગયા છે. રાજકોટમાં ચૂંટણી વખતે જ કોંગ્રેસમાં ફરી એક મોટું ભંગાણ પડ્યું છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી હસમુખ સોસાએ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ભગવો સ્વીકારી લીધો છે. હસમુખ સોસાને જસદણના ભાડલામાંથી ટિકિટ ન મળતા તેઓ કોંગ્રેસથી નારાજ હતા. એવામાં હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં ભળી ગયા છે.

દિવસે દિવસે રાજકોટમાં ચૂંટણી પ્રચારનો માહોલ વળાંક લેતો જાય છે. ભાજપના કાર્યકર્તા તથા ઉમેદવારો કમળનું ફૂલ, બોરિયા, બકલ, હેરપીન, રીંગ અને પર્સ જેવી મહિલાઓને ઉપયોગી વસ્તુઓ ઘરે ઘેર આપીને પ્રચાર કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસમાં અંદરોઅંદર આગ લાગી છે. કાર્યકર્તા તથા આગેવાનો કોંગ્રેસ છોડતા ભાજપને આ ચૂંટણીમાં જિલ્લા પંથકમાંથી ફાયદો થવાનો છે એવું ચિત્ર હાલ રાજકોટમાંથી ઉપસ્યું છે. કોંગ્રેસને ફરી બેઠો કરવા અને સક્રિય કરવા માટે રાજકોટ કોંગ્રેસના અનુભવી નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂને કેટલીક જવાબદારી સોંપવામાં આવી છે. જેથી આખરી દિવસોમાં એ પણ સક્રિય થઈ ગયા છે. વૉર્ડ નં.9માં ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ એક સભા સંબોધી હતી. તેમણે એવું કહ્યું કે, હું કોર્પોરેશનમાં ફરી સક્રિય એટલા માટે થયો કારણ કે, ભાજપ ભ્રષ્ટાચારયુક્ત છે. મને મારા પક્ષ સાથે પણ વાંધો છે. મારા પક્ષમાંથી આ જ સમાજના લોકો આવે છે. જે તમને મળે તો પણ થોડું ઘણું તો કરી લેવાના છે.

જોકે, તેણે પરોક્ષ રીતે કોંગ્રેસમાં પણ ભ્રષ્ટાચાર હોવાની વાત ઉચ્ચારી હતી. જોકે, ભાડલા બેઠક માટે ટીકીટ નહી મળતા જીલ્લા કોંગ્રેસ મહામંત્રીએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપતા જસદણનું રાજકારણ ગરમાયું છે. ભાજપમાં જોડાયા બાદ તેમણે ભાડલા બેઠકના જિલ્લા પંચાયતના ભાજપ ઉમેદવારને સમર્થન આપ્યું છે. હસમુખભાઈ સોસાએ જણાવ્યું કે, રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી પદેથી હું રાજીનામું આપું છું. છેલ્લા 20 વર્ષથી તેમણે કોંગ્રેસ સાથે પોતાની ફરજ બજાવી હતી. તેમણે એવું પણ કહ્યું કે જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશભાઈ મેરને સારી લીડથી જીતાડવા માટે જે મહેનત કરવી પડશે એ કરીશું. જોકે, એમના આ નિર્ણયની અસર રાજકોટ કોંગ્રેસ સુધી પડી છે. એકાએક પક્ષમાં બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો