વિજય રુપાણી બાદ ભાજપના વધુ બે સિનિયર નેતાઓને કોરોનાનો ચેપ લાગ્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-02-2021

રાજ્યમાં એક તરફ કોરોનાના કેસ ઘટી રહ્યા છે, ત્યારે નેતાઓની સાથે જાણે લોકોએ પણ તેને હળવાશથી લેવાનું શરુ કરી દીધું હોય તેવો ઘાટ સર્જાયો છે. ગઈકાલે વડોદરામાં સ્ટેજ પર ચક્કર ખાઈને પડી ગયેલા સીએમ રુપાણીનો કોરોનાનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. રુપાણી ઉપરાંત કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ભાજપના મહામંત્રી ભીખુ દલસાણિયાને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.

હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. અમદાવાદ સહિતની રાજ્યની પાંચ મહાનગરપાલિકાઓમાં પણ ચૂંટણીઓમાં તમામ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરુ કરી દીધો છે. સિનિયરથી લઈને જુનિયર નેતાઓ તેમજ કાર્યકરો પ્રચારમાં જોડાયા છે, પરંતુ તેના ઉત્સાહમાં જાણે કોરોના ભૂલાઈ રહ્યો હોય તેમ રાજકીય રેલીઓમાં ના તો માસ્કના નિયમોનું પાલન થાય છે, કે ના સોશિયલ ડિસ્ટન્સિંગની કોઈ દરકાર કરે છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. હાલની સ્થિતિએ રોજેરોજ નોંધાતા કેસોની સંખ્યા 300ની પણ અંદર પહોંચી ગઈ છે. જોકે, કોરોના હજુ ગયો નથી. જેમ દિવાળી અગાઉ ઘટેલા કેસો રજાઓ બાદ અચાનક વધવા લાગ્યા હતા, તેમ રાજકીય રેલીઓમાં થતી ભીડને કારણે પણ કોરોના ફરી વકરે તેવી શક્યતા એક્સપર્ટ્સ અગાઉ જ વ્યક્ત કરી ચૂક્યા છે. પરંતુ નિયમો માત્ર આમ જનતા માટે જ હોય તેમ માસ્ક ના પહેરનારા પાસેથી પોલીસ હજાર રુપિયા દંડ વસૂલે છે, જોકે નેતાઓ કે રાજકીય કાર્યકરો સામે ક્યારેય કોઈ દંડાત્મક કાર્યવાહી થતી નથી. 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ મોના દેસાઈએ તાજેતરમાં જ ચેતવણી આપી હતી કે, ચૂંટણી પ્રચારમાં લોકોના ટોળાથી દિવાળીની જેમ કોરોનાના કેસોમાં તીવ્ર ઉછાળો આવે તેવી શક્યતા છે. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રચારમાં ટોળા જામે છે, જેથી ફરી એકવાર કોરોનાનો ફેલાવો વધી શકે છે. દિવાળીમાં જે રીતે કોરોનાના દર્દીઓમાં ઉછાળો આવ્યો હતો, તેવું ફરીથી ના બને તેવું દરેકે ધ્યાન રાખવું પડશે. ચૂટણી પ્રચાર કરતી રાજકીય પાર્ટીઓ અને લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે. ફેબ્રુઆરી-માર્ચમાં ફ્લૂ જેવા વાયરલ ઈન્ફેક્શનને વેગ મળતું હોય છે. જો ફરીથી કોરોનાના કેસમાં વધારો થયો તો સરકારે એકવાર ફરી નિયંત્રણો મૂકવાની જરૂર પડશે.

રાજ્યમાં હાલ કોરોનાની રસી આપવાની પણ કામગીરી ચાલી રહી છે, અને પહેલા રાઉન્ડમાં જેમને રસી અપાઈ છે તેમને આજથી બીજો ડોઝ આપવાનું શરુ કરવામાં આવ્યું છે. જોકે, હાલના તબક્કામાં માત્ર કોરોનાની કામગીરીમાં જોડાયેલા મેડિકલ સ્ટાફ અને ફ્રંટ લાઈન વર્કર્સને જ રસી અપાઈ રહી છે, અને તેમાંય ઘણા લોકો તેને લેતા અચકાઈ રહ્યા છે. રાજયની મોટાભાગની વસ્તીનું રસીકરણ હજુ બાકી જ છે, અને રસી લીધા બાદ પણ માસ્ક પહેરવાની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જરુરી છે. જોકે, ચૂંટણીમાં નેતાઓ તેને બિલકુલ નજરઅંદાજ કરી રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો