50 વર્ષથી વધુ ઉંમરના લોકોને માર્ચથી આપવામાં આવશે વેક્સિન; કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધને કરી જાહેરાત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-02-2021

કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.હર્ષવર્ધને સોમવારે કોરોના વેક્સિનેશનને લઈને મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે 50 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને માર્ચથી વેક્સિન અપાવવાનું શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે સાત દિવસમાં 188 જિલ્લામાં કોરોનાનો એક કેસ મળી આવ્યો નથી.

ડો. હર્ષવર્ધને કહ્યું કે લોકોએ હાલ કોરોનાના દરેક નિયમનું પાલન કરવું જરૂરી છે, તે મહત્વનું છે. તેમણે લોકોને અપીલ કરતા કહ્યું હતું કે વાસ્તવિક વેક્સિનની સાથે સાથે સામાજિક વેક્સિનની પણ કાળજી લેવી. તેમણે કહ્યું કે દેશમાં આજે બે વેક્સિન ઉપલબ્ધ થઈ ગઇ છે. 80 થી 85 લાખ આરોગ્ય કાર્યકરો અને ફ્રન્ટ લાઇન વર્કરોને વેક્સિન આપવામાં આવી છે. વધુમાં તેમણે સરકારની સિદ્ધિનું વર્ણન કરતાં જણાવ્યુ હતું કે આપણે 20-25 દેશોને વેક્સિન આપવાની સ્થિતિમાં આવી ગયા છીએ.

દેશમાં 18 થી 20 કંપનીઓ દ્વારા વેક્સિન તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું: આરોગ્યમંત્રીએ કહ્યું કે હાલમાં દેશમાં જુદા જુદા સ્તરે 18 થી 20 કંપનીઓ દ્વારા વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. જે હાલમાં ટ્રાયલના વિવિધ તબક્કાઓમાં છે. તેમાંથી કેટલીક વેક્સિન આવતા કેટલાક મહિનામાં આવી શકે છે. તેમણે કહ્યું કે જો આરોગ્ય સેવાનું સપનું બધા માટે શક્ય હોય તો તે ભારત છે. તેમણે જણાવ્યું હતું કે પ્રાચીન ચિકિત્સા પદ્ધતિની સાથે મળીને આપણે દેશમાં આરોગ્યનું મોટું નેટવર્ક બનાવી શકીએ છીએ.

વિશ્વનો સૌથી ઓછો મૃત્યુ દર 1.43 ટકા ભારતમાં છે: ડો.હર્ષવર્ધને કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 1,09,16,589 લોકોને કોરોનાથી સંક્રમણ લાગી ચૂક્યું છે. આ લોકોમાંથી 1,06,21,220 લોકો સાજા પણ થઈ ચૂક્યા છે. દેશમાં હાલમાં 97.29 ટકા રિકવરી રેટ છે. વિશ્વનો સૌથી ઓછો મૃત્યુ દર 1.43 ટકા ભારતમાં છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો